ડોરબેલ વગાડીને ભાગી જતા બાળકને મહિલાએ ઢીબી નાખ્યો, પોલીસે કરી ધરપકડ

અમદાવાદઃ સોસાયટીમાં નાના બાળકો ડોરબેલ વગાડી ભાગી જતા હોય છે. આ પ્રકારની ટીખ્ખળ લગભગ દરેકે પોતાના બાળપણમાં કરી હશે, પરંતુ સુરતમાં એક સાત વર્ષના બાળકને આ મજાક ભારે પડી ગઈ હતી. અહીં સરથાણા વિસ્તારમાં રહેતી એક 40 વર્ષીય મહિલાએ આ રીતે મસ્તી કરનારા એક સાત વર્ષના બાળકને માર મારતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.
અહીંની સિલિકોન રેસિડેન્સીમાં મ-3 બ્લોકમાં મહિલા રહે છે. બાળકોએ રમતા રમતા લગભગ રાત્રે દસેક વાગ્યે તેનાં ઘરની ડોરબેલ વારંવાર વગાડી હતી અને પછી ભાગી જતા હતા. બાળકોની આ મસ્તીથી પરેશાન મહિલા સોસાયટીના કમ્પાઉન્ડમાં ગઈ હતી. અહીં બાળકો રમતા હતા, તેમાંથી એક સાત વર્ષના બાળકે આ મસ્તી કરી હોવાનું માની તેણે તેને ખૂબ જ માર માર્યો હતો, જેના લીધે બાળકને ઈજા થઈ હતી.
આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા. બાળકની માતાએ જ્યારે આ મહિલા સાથે આ મામલે ઝગડો કર્યો ત્યારે મહિલાએ તેને ફરી મારવાની ધમકી પણ આપી હોવાનું પોલીસે જણાવ્યું હતું. ઘટના બાદ બાળકના માતા-પિતા સરથાણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સીસીટીવી ફૂટેજ પણ આપ્યા હતા. ત્યારબાદ પોલીસે મહિલાની અટક કરી હતી, જોકે મહિલાએ માફી માગતા તેને જામીન પર છોડી દેવામા આવી હતી.
મહિલાનો વીડિયો પણ રિલિઝ થયો હતો, જેમાં તેણે ફરી આ રીતે બાળક સાથે વર્તણૂક ન કરવાની ખાતરી આપી હતી, આ સાથે વાલીઓ અને છોકરાઓને અપીલ પણ કરી હતી કે આ પ્રકારની ટીખ્ખળ કરવામાં ન આવે.
રિંગ એન્ડ રન તરીકે ઓળખાતી આ મસ્તી ઘણીવાર લોકોને પરેશાન કરી દેતી હોય છે, પરંતુ બાળકને આ રીતે માર મારવો પણ યોગ્ય નથી.



