મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ બંધ કરવા સુરતમાં ઉઠી માંગ: કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર | મુંબઈ સમાચાર
સુરત

મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ બંધ કરવા સુરતમાં ઉઠી માંગ: કલેક્ટરને આપવામાં આવ્યું આવેદનપત્ર

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં વિવિધ સામાજિક સંસ્થાઓના આગેવાનો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ ભેગા મળીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં મદ્રેસાઓમાં ધાર્મિક શિક્ષણ બંધ કરીને ધોરણ 12 સુધી સમાન શિક્ષણ લાગુ કરવું જોઈએ તેવી માંગ કરવામાં આવી હતી. આ જૂથે એક શિક્ષણ, એક રાષ્ટ્રની નીતિ અપનાવવા પર ભાર મૂક્યો હતો.

આ રજૂઆત દરમિયાન, આતંકી હુમલાનું ઉદાહરણ આપતા કહ્યું કે આતંકવાદીઓએ ધર્મ પૂછીને ગોળી મારી હતી, જે કટ્ટર માનસિકતાનું પરિણામ છે. તેમણે જણાવ્યું કે મદ્રેસાઓમાં ધાર્મિક શિક્ષણના નામે ભાગલા પાડી શકે તેવી નીતિઓ શીખવવામાં આવે છે, જે બંધારણના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

આપણ વાંચો: સાવરકુંડલામાં ખરીફ સિઝનની શરૂઆતમાં જ યુરિયાની અછત, 70 ગામના ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું…

આ જૂથે એવી પણ માગ કરી હતી કે ધર્મ આધારિત શિક્ષણ સંસ્થાઓને તાત્કાલિક બંધ કરીને સરકારી નિયમો મુજબનું શિક્ષણ લાગુ કરવું જોઈએ. આ રજૂઆત દરમિયાન, ‘મદ્રેસા બંધ કરો’ અને ‘એક શિક્ષણ, એક રાષ્ટ્ર’ જેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા.

આ જૂથનું માનવું છે કે તમામ બાળકોને સમાન અને બિનસાંપ્રદાયિક શિક્ષણ મળવું જોઈએ, જેથી તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે.

તેમણે આક્ષેપ કર્યો કે મદ્રેસાઓમાં અપાતું હિંસક ધર્મ આધારિત શિક્ષણ સમાજમાં કટ્ટરતા ફેલાવી રહ્યું છે. આ વિરોધને ટેકો આપવા માટે 200થી વધુ લેટરપેડ સાથે મુખ્યમંત્રીને સંબોધિત આવેદનપત્ર પણ કલેક્ટરને સોંપવામાં આવ્યું હતું.

આવેદનપત્ર આપતાં લોકોની મુખ્ય માંગણી, ધર્મ આધારિત શિક્ષણ બંધ થવું જોઈએ અને તેના બદલે સરકારી પાઠ્યપુસ્તકો આધારિત શિક્ષણ જ આપવું જોઈએ તેવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સરકારી અભ્યાસક્રમથી વિદ્યાર્થીઓનો પાયો મજબૂત થાય છે અને તેઓ સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાઈ શકે છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button