સુરતમાં શિક્ષકોને રાહત, હવે BLOની કામગીરી સિવાય અન્ય કોઈ કામ નહીં સોપવામાં આવે

સુરતઃ રાજ્યમાં હાલ મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. જેમાં શિક્ષકો-પાલિકા કર્મચારી અને સરકારી કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષકોની ઘટ વચ્ચે આ કામગીરી સોંપવામાં આવી હતી તો કેટલાક આચાર્ય દ્વારા શિક્ષકોને શૈક્ષણિક કાર્ય બાદ મતદારયાદી સુધારણા માટે કામગીરી કરવા ફરજ પાડવામાં આવી રહી હોવાની ફરિયાદ મળી હતી. પાલિકાના કર્મચારીઓને તેમની મૂળ કામગીરી સાથે મતદાર યાદી સુધારણા કામગીરી કરવી પડતી હતી. અંગેની ફરિયાદ મળ્યા બાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.
સુરતમાં બી.એલ.ઓ કામગીરીમાં સંકળાયેલ શિક્ષકો-પાલિકા કર્મચારીઓને મતદાર સુધારણા કામગીરી સાથે શાળા ઓફિસની કામગીરીમાં રજા ન મળતી હોવાની ફરિયાદ વચ્ચે ચૂંટણી પંચ દ્વારા આ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓને અન્ય કામગીરીમાંથી સંપૂર્ણ મુક્તિ આપવા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે બીજી તરફ બીએલઓ કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓને ઘરે સામાજિક પ્રસંગ હોય કે મેડિકલ ઈસ્યુ હોય તેવા સંજોગોમાં પણ પુરતી રજા અપાતી નથી અને કામગીરી માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ પણ બહાર આવી હતી.
કેટલાક કિસ્સામાં તો આવા કર્મચારીઓને ઘણી જ ઓછી રજા મંજુર કરવામા આવતી હતી. તેના કારણે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ સાથે જોડાયેલા કર્મચારીઓની હાલત કફોડી થઈ રહી હતી. તેથી સાચા કારણ હોય અને પુરાવા રજુ કરે તેવા કર્મચારીઓને કામગીરીમાંથી મુક્તિ આપે કે રજા મંજુર કરવામાં આવે તેવી માંગણી થઈ હતી. જેને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આપણ વાંચો: અમદાવાદમાં ₹248 કરોડના ખર્ચે અખબારનગરમાં આધુનિક ‘મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ’ બનશે, હશે આવી સુવિધા



