સુરતના હીરા ઉદ્યોગમાં ઐતિહાસિક મંદી, લાખો રત્નકલાકારોનું જીવન ખોરવાયું
સુરત: ભારતમાં હીરા ઉદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર સુરત ‘ડાયમંડ સીટી’ તરીકે ઓળખાય છે. હાલ સુરતનો હીરા ઉદ્યોગ ખુબ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. એહેવાલ મુજબ સુરતના હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઈતિહાસમાં સૌથી વધુ મંદી છે. દિવાળીની રજાઓ બાદ હીરાની ઘણી ફેક્ટરીઓ ફરી ચાલુ નથી થઇ શકી, જેને કારણે લાખો રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. જે ફેક્ટરીઓ ચાલું થઇ એમાં રત્નકલાકારોના પગારમાં 50 % સુધીનો કાપ મુકાયો છે.
આ પણ વાંચો: હીરા ઉદ્યોગની મંદીના કારણે રત્નકલાકાર ચોર બન્યો
અહેવાલ મુજબ આંતરરાષ્ટ્રીય બજારોમાં હીરાની માંગ થઇ રહેલા સતત ઘટાડાને કારણે આ વિકટ મંદી સર્જાઈ છે. ગુજરાતમાં 17 લાખથી લોકો ડાયમંડ પોલિશ અને કટિંગ સાથે જોડાયેલા છે. માત્ર સુરતમાં જ લગભગ 11 લાખ રત્નકલાકારો છે.
ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું:
અહેવાલ મુજબ બેથી ચાર ઘંટી ધરવતી 1000 ફેકટરીઓ બંધ થઈ ગઈ છે, બે લાખ લોકોએ નોકરી ગુમાવી છે. જે ફેક્ટરીઓ તેમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં 20થી 50 ટકા સુધીનો જંગી કાપ મુલાયો છે, છતાં રત્નકલાકારો કામ કરવા મજબૂર છે. આ પરિસ્થિતિને કારણે રત્નકલાકારોને ઘર ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. રત્નકલાકારોમાં માનસિક તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ પણ વધી રહી છે.
અહેવાલ મુજબ છેલ્લા એક વર્ષમાં એકલા સુરતમાં જ 45 રત્નકલાકારે આપઘાત કરી લીધો હતો.
નિકાસમાં ઘટાડો:
ડાયમન્ડ વર્કર યુનિયનની હેલ્પ લાઈન પર મદદ માટે 3,000થી વધુ કોલ્સ આવી ચુક્યા છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ડેટા પ્રમાણે વર્ષ 2022માં રૂ. 1.80 લાખ કરોડના ડાયમંડની નિકાસ થતી હતી, જે વર્ષ 2023માં ઘટીને રૂ.1.43 લાખ કરોડ થઇ હતી. જ્યારે 2024ના ઓકટોબર મહિના નિકાસ રૂ.1.02 લાખ કરોડ થઇ હતી. જે વર્ષ 2024 પૂર્ણ થતાં 1.15 લાખ કરોડ સુધી પહોંચે તેવી સંભાવના છે. એટલે 2022ની સરખામણીમાં 2024માં રૂ.65 હજાર કરોડની નિકાસ ઓછી રહેશે.
આ પણ વાંચો: Gujarat માં હીરા ઉદ્યોગમાં ફરી આવી શકે છે તેજી, જાણો વિગત
અગાઉ વર્ષ 2008માં મંદી આવી હતી, આ મંડી 7થી 8 મહિના ચાલી હતી. પરંતુ હાલમાં ચાલી રહેલી મંદી વધુ વિકટ છે, જે જલ્દી ખતમ થાય એવા સંકેત નથી. એક તરફ રોજગારી નથી મળી રહી, તો બીજી તરફ મોંઘવારી વધી રહી છે, જેને કારણે ઘણા પરિવારો મુશ્કેલ પરિસ્થિતિઓમાં છે. GJEPC ને 1100 રત્નકલાકારોના બાળકોના સ્કુલના ફોર્મ મળ્યા છે, જે GJEPC એ ભરી આપવાની તૈયારી બતાવી છે. જોકે રત્નકલાકારો સરકાર પાસેથી મદદની આશા રાખી રહ્યા છે.