સાયબર ક્રાઇમની નવી રાજધાની? સુરત બન્યું દેશનું સૌથી મોટું 'માલવેર સંક્રમિત' શહેર! રિપોર્ટમાં દાવો | મુંબઈ સમાચાર
સુરત

સાયબર ક્રાઇમની નવી રાજધાની? સુરત બન્યું દેશનું સૌથી મોટું ‘માલવેર સંક્રમિત’ શહેર! રિપોર્ટમાં દાવો

સુરત: આજના સમયમાં સાયબર ક્રાઇમના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેને સમાજ સામે ચિંતા વધારી છે. સાઇબર ક્રાઇમની ઘટનાઓમાં ગુજરાતનું ડાઇમંડ સિટી સુરત હવે એક નવી, ચિંતાજનક ઓળખ સાથે ઉભરી આવ્યું છે. ‘ઈન્ડિયા સાયબર થ્રેટ રિપોર્ટ ૨૦૨૫’ મુજબ, સુરત દેશનું સૌથી વધુ માલવેર સંક્રમિત શહેર બન્યું છે. ડેટા સિક્યુરિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (DSCI) અને સાયબર સિક્યુરિટી ફર્મ સેક્રીટ (Seqrite) દ્વારા તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં ઓક્ટોબર ૨૦૨૩ થી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન ૮.૪૪ મિલિયન ઉપકરણો પર ૩૬૯ મિલિયન માલવેર ડિટેક્શન નોંધાયા હતા, જેનો અર્થ છે કે દર મિનિટે સરેરાશ ૭૦૨ સંભવિત હુમલા થયા હતા.

મુખ્ય આંકડા શું કહે છે?

રિપોર્ટમાં ઓક્ટોબર ૨૦૨૩ થી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન દેશભરમાં ૩૬૯ મિલિયન (૩૬.૯ કરોડ) માલવેર ડિટેક્શન નોંધાયા હતા. એટલે કે, દર મિનિટે સરેરાશ ૭૦૨ સંભવિત સાયબર હુમલા થયા હતા. સુરત એકલાએ દેશના કુલ સંક્રમણના ૧૪.૬% હિસ્સો નોંધાવ્યો. અહીં પ્રતિ ડિવાઇસ ૬૯.૩ ધમકીઓ મળી.

સુરતે આ મામલે બેંગલુરુ (૫૬.૭) અને હૈદરાબાદ (૫૪.૯) ને પાછળ છોડી દીધા છે. ગુજરાતનું અન્ય મોટું શહેર અમદાવાદ પણ પ્રતિ ડિવાઇસ ૩૮.૯ ડિટેક્શન સાથે રાષ્ટ્રીય સ્તરે સાતમા ક્રમે છે. આ દર્શાવે છે કે સાયબર અપરાધીઓ હવે મોટા ટેક હબને બદલે ઝડપથી ડિજિટલ બની રહેલા ટાયર-૨ અને ટાયર-૩ બિઝનેસ સેન્ટરો ને નિશાન બનાવી રહ્યા છે.

સંશોધકો માને છે કે સુરતના ઉદ્યોગોમાં સાયબર સિક્યુરિટીનું નબળું પાસું જ આ વધતા હુમલાઓનું મુખ્ય કારણ છે. સુરતનો મેન્યુફેક્ચરિંગ સેક્ટર મોટાભાગે શેર્ડ ડેટા સર્વર (Shared Data Server) અને પોર્ટેબલ સ્ટોરેજ (જેમ કે પેન ડ્રાઇવ) પર આધાર રાખે છે. આ જગ્યાઓ ફાઇલ-ઇન્ફેક્ટિંગ માલવેર ફેલાવવા માટે આદર્શ છે.

એક સર્વે મુજબ, સુરતની ૪૫% નાની અને મધ્યમ કદની કંપનીઓ (SMEs) પાસે સાયબર સિક્યુરિટી માટે કોઈ બજેટ નથી. લગભગ ૩૫% SMEs પાસે ડિજિટલ જોખમોનું સંચાલન કરવા માટે પૂરતા કુશળ IT સ્ટાફનો અભાવ છે. સર્વેમાં જાણવા મળ્યું કે ઘણા કર્મચારીઓમાં છેતરપિંડીભર્યા ઇમેઇલ્સ વિશે જાગૃતિ અથવા યોગ્ય પાસવર્ડ શિસ્તનો અભાવ છે.

આ પણ વાંચો…ગુજરાતમાં સાયબર ક્રાઇમ્સમાં 41 ટકાનો વધારો: છેતરપિંડીના કેસમાં ૮૦ ટકાનો વધારો

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button