સુરતમાં ‘રેઈનકોટ ચોર’ પકડાયો, ₹13 લાખથી વધુના હીરા રિકવર…

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં ઘણી વખત હીરા ચોરીની ઘટના સામે આવતી રહે છે. આવી જ એક ઘટના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. એક ચોર હીરા ફેક્ટરીની ઑફિસમાં ઘૂસીને ₹13 લાખ 65 હજારની કિંમતના હીરાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ચોરીની સમગ્ર ઘટના ઑફિસમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
ચોરે સીસીટીવીની નજરથી બચવા માટે પોતાના શરીર અને ચહેરાને કાળા રંગના રેઈનકોટથી સંપૂર્ણપણે ઢાંકી દીધો હતો, પરંતુ તેમ છતાં તેનો ચહેરો થોડી સેકન્ડ માટે સીસીટીવીમાં દેખાઈ ગયો હતો. આ ચોરી 24 સપ્ટેમ્બરની રાત્રે થઈ હતી. પોલીસ ફરિયાદના આધારે સુરતની વરાછા પોલીસે તુરંત કાર્યવાહી કરીને ચોરને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરી કરેલા હીરા પણ જપ્ત કર્યા હતા.
સુરત શહેર પોલીસના ડીસીપી આલોક કુમારે જણાવ્યું કે વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર. બી. ગોઝિયાની ટીમે આ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. આરોપીનું નામ અલ્પેશ માધવજીભાઈ રામાણી છે. અલ્પેશ રામાણીએ ગત 24 સપ્ટેમ્બર, 2025ની રાત્રે 10:00 થી 12:15 વાગ્યાની વચ્ચે વરાછા મિની બજાર સરદાર માર્કેટમાં ઑફિસ નંબર 108માં આવેલી હીરા ફેક્ટરીની ઑફિસમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે ડુપ્લિકેટ ચાવી વડે ઑફિસનું શટર ખોલ્યું હતું. ઑફિસમાં ઘૂસ્યા બાદ તેણે પહેલા ચહેરો છુપાવવા માટે રૂમાલ બાંધ્યો હતો અને અમુક સીસીટીવી પણ બંધ કરી દીધા હતા.
સીસીટીવી ફૂટેજ મુજબ ચોર ટેબલના ડ્રોવરમાંથી હીરાના પેકેટ ચોરીને ફરાર થયો હતો. અલ્પેશે 6129 કેરેટના રફ અને તૈયાર કરેલા હીરાની ચોરી કરી હતી, જેની અંદાજિત કિંમત ₹13,65,000 હતી. વરાછા પોલીસની ટીમો દ્વારા સતત કામગીરી કર્યા બાદ આખરે આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી.