ચોમાસાની વિદાય ટાણે મેઘરાજાની સુરતમાં ધમાકેદાર બેટિંગ, લિંબાયતમાં એક કલાકમાં 4.5 ઇંચ વરસાદથી જળબંબાકાર | મુંબઈ સમાચાર
સુરત

ચોમાસાની વિદાય ટાણે મેઘરાજાની સુરતમાં ધમાકેદાર બેટિંગ, લિંબાયતમાં એક કલાકમાં 4.5 ઇંચ વરસાદથી જળબંબાકાર

સુરતઃ ચોમાસાના અંતિમ રાઉન્ડમાં મેઘરાજા દક્ષિણ ગુજરાત પર મન મુકીને વરસી રહ્યા છે. સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદ નોંધાયો હતો. શહેરના લિંબાયતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. એક કલાકમાં સાડા ઇંચ વરસાદથી સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ગયો હતો. ત્રણ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ વરસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વરસાદના કારણે શહેરના માર્ગો પરથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

લીંબાયત સિવાય શહેરના અન્ય વિસ્તારો જેવા કે પીપલોદ, અઠવા, ડુમસ રોડ, વરાછા, સિટીલાઇટ, અડાજણ, રાંદેર, ડુમસ અને ઉધનામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઉધના ત્રણ રસ્તા જેવા મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાઈ જતા વાહન-વ્યવહારને ગંભીર અસર પહોંચી હતી. પાણી ભરાવાના કારણે અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી જતાં ટ્રાફિક જામ પણ થયો હતો.

વાતાવરણમાં ઠંડકથી લોકોએ લીધો રાહતનો શ્વાસ

સુરતમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ વિકટ બની હતી. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી હતી.

સુરતમાં કેટલો પડ્યો વરસાદ

સ્ટેટ ઈમજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 113.18 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 117.75 ટકા વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં 135.24 ટકા, બારડોલીમાં 138.81 ટકા, ચોર્યાસીમાં 66.29 ટકા, કામરેજમાં 128.48 ટકા, મહુવામાં 107.88 ટકા, માંડવીમાં 89.14 ટકા,માંગરોળમાં 100.28 ટકા, ઓલપાડમાં 111.23 ટકા, પલસાણામાં 126.37 ટકા અને ઉમરપાડામાં 156.52 ટકા વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગની શું છે આગાહી

હવામાન વિભાગ દ્વારા આગામી 25 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છને બાદ કરતા સમગ્ર રાજ્યમાં હળવો વરસાદ થઈ શકે છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા નહિવત જોવા મળશે. ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી ચોમાસાએ વિદાય લઈ લીધી છે. આગામી 4 દિવસ ગાજવીજ સાથે 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આપણ વાંચો:  પરસેવો પાડી કમાયેલી લાખોની કમાણી ખેડૂતે એક ઢોંગીબાબાની જાળમાં ફસાઈ ગુમાવી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button