સુરતમાં બ્રાન્ડેડના નામે નકલી કોસ્મેટિક્સ વેચતું રેકેટ ઝડપાયું; લાખોનો મુદ્દામાલ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરત: સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં નામચીન બ્રાન્ડના નામે નકલી કોસ્મેટિક્સ બનાવી ઓનલાઇન વેચવાના મોટા કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ ફેક્ટરીમાં પ્રતિષ્ઠિત કંપનીઓના નામે ડુપ્લિકેટ સૌંદર્ય પ્રસાધનો મોટા પાયે બનાવવામાં આવતા હતા અને તેને ફ્લિપકાર્ટ જેવા ઓનલાઇન પ્લેટફોર્મ પર ભારે ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવતા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી હિતેશ કટારિયા છેલ્લા આઠ મહિનાથી આ ગેરકાયદે પ્રવૃત્તિ ચલાવી રહ્યો હતો અને ગ્રાહકોને આકર્ષવા માટે બજાર કિંમત કરતા અડધી કિંમતે આ જોખમી પ્રોડક્ટ્સ વેચતો હતો.
ગોડાદરા પોલીસે બાતમીના આધારે આ ઉત્પાદન યુનિટ પર દરોડો પાડી અંદાજે ૮.૨૯ લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જપ્ત કરાયેલા સામાનમાં નકલી કોસ્મેટિક પ્રોડક્ટ્સનો તૈયાર જથ્થો, જાણીતી બ્રાન્ડના ખાલી ડબ્બા, સ્ટીકરો, ફ્લિપકાર્ટના બ્રાન્ડિંગવાળું પેકેજિંગ મટીરિયલ અને ડુપ્લિકેટ ચીજવસ્તુઓ બનાવવા માટે વપરાતી મશીનરીનો સમાવેશ થાય છે. આરોગ્ય નિષ્ણાતોએ પણ ચેતવણી આપી છે કે આવા નકલી કોસ્મેટિક્સનો ઉપયોગ ત્વચા અને સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરી શકે છે.
પોલીસે આ મામલે મુખ્ય આરોપી હિતેશ કટારિયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિઓ કે મોટા સપ્લાયર્સ સંકળાયેલા છે કે કેમ પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી.



