બીલીમોરામાં SMC ટીમ પર ફાયરિંગ કરનારી ‘રાવણ ગેંગ’ કેવી રીતે સકંજામાં આવી?

સુરતઃ નવસારીના બીલીમોરામાં બે દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ અને ગુનેગારો વચ્ચે ફાયરિંગ થયું હતું. આ દમરિાયન પોલીસે મધ્ય પ્રદેશની કુખ્યાત રાવણ ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપીઓ મુંબઈ અને મધ્ય પ્રદેશમાં મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. તેઓ હથિયારોના સોદા માટે બિલિમોરામાં એકત્ર થયા હતા.
કેવી રીતે સંકજામાં આવ્યા આરોપીઓ
ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ રિષભ શર્મા ઉર્ફે રાવણ (મધ્ય પ્રદેશ), યશસિંહ સુંદરસિંહ (હરિયાણા), મનીષ કલુરામ કુમાવત અને મદન ગોપીરામ કુમાવત (રાજસ્થાન) તરીકે થઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મનીષ અને મદનને સૌપ્રથમ બીલીમોરા રેલવે સ્ટેશન નજીકની એક હોટલ પાસેથી ગુપ્ત માહિતીના આધારે પકડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન, તેમણે તેમના અન્ય સાથીઓના ઠેકાણાની માહિતી આપી, જેના પગલે પોલીસની ટીમ તેમને મહાદેવ મંદિરના પાર્કિંગ સ્થળ પર લઈ ગઈ હતી.
પોલીસે આત્મસમર્પણ કરવા કહ્યું, આરોપીએ ફાયરિંગ કર્યું
આ સમયે ત્યાં હાજર અન્ય બે આરોપીઓને જ્યારે પોલીસે આત્મસમર્પણ કરવા જણાવ્યું, ત્યારે આરોપી યશસિંહએ પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં, પોલીસ ઇન્સ્પેક્ટર સી.એચ. પનારાએ પણ ગોળી ચલાવી, જે યશસિંહના પગમાં વાગી હતી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
ત્રણ પિસ્તોલ અને 25 કારતૂસ જપ્ત
આ અથડામણ બાદ પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ પિસ્તોલ અને 25 કારતૂસ જપ્ત કર્યા હતા. તમામ આરોપીઓ વિરુદ્ધ આર્મ્સ એક્ટ અને હત્યાના પ્રયાસહેઠળ કેસ નોંધીને ગાંધીનગર સ્થિત એસ.એમ.સી. પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
પકડાયેલા આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ
મનીષ કુમાવત સામે રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના કેલવા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં આર્મ્સ એક્ટના બે ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે રિષભ શર્મા ઉર્ફે રાવણ સામે મધ્યપ્રદેશમા જબલપુર જિલ્લાના ગોસલપુર પોલીસ સ્ટેશન ખાતે વર્ષ 2019માં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરવાનો ગુનો નોંધાયેલો છે. આ ઉપરાંત આર્મ્સ એક્ટ અને મારામારી, ધમકી આપવાના બે ગુના નોંધાયેલા છે. રિષભ શર્મા જબલપુરમાં રાવણ ગેંગ ચલાવતો હતો.
આ પણ વાંચો…બીલીમોરામાં બિશ્નોઈ ગેંગ અને એસએમસીની ટીમ વચ્ચે ગોળીબાર; એક આરોપી ઘાયલ-ચાર ઝડપાયા…



