સુરતમાં પ્રિન્સિપાલની ધરપકડ: પુત્રની મદદથી ધર્માંતરણ કરાવ્યાનો આરોપ

સુરતઃ જિલ્લામાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. માંડવીમાં ધર્માંતરણ માટે દબાણ કરવા બદલ સરકારી સ્કૂલના પ્રિન્સિપાલની ધરપકડ કરવામાં આવી હતી. પ્રિન્સિપાલ પર પુત્રની મદદથી એક મહિલાને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે દબાણ કર્યું હોવાનો આરોપ છે.
શું છે સમગ્ર મામલો
પોલીસે જણાવ્યું હતું કે, પીડિત મહિલાનો સંપર્ક આરોપી આચાર્યના પુત્ર અંકિત ચૌધરી સાથે થયો હતો. અંકિત ચૌધરીએ લગ્નની લાલચ આપીને મહિલાનું લગભગ બે વર્ષ સુધી શોષણ કર્યું હોવાનો આરોપ છે. આ મામલે અગાઉ અંકિત વિરુદ્ધ કેસ નોંધાઈ ચૂક્યો છે.
તપાસ દરમિયાન મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે રામજી ચૌધરી (આચાર્ય) અને અન્ય કેટલાક લોકોએ તેને બળજબરીથી ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતરણ કરવા માટે દબાણ કર્યું હતું. વધુ તપાસમાં બળજબરીપૂર્વક ધર્માંતરણના આ દાવાની પુષ્ટિ થતાં રામજી ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, પીપલવાડા પ્રાથમિક શાળાના આચાર્ય અને આરોપી રામજી ચૌધરીની તપાસમાં મહિલાના આક્ષેપો સાચા જણાતા કસ્ટડી લેવામાં આવી છે. પોલીસ આરોપી સાથે સંકળાયેલા ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશનની ભૂમિકાની પણ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો…ધર્માંતરણમાં સરકારી દખલગીરી ચિંતા જનક! સુપ્રીમ કોર્ટે ધર્માંતરણ વિરોધી કાયદા પર ઉઠાવ્યા સવાલ



