ખાડાની મોકાણઃ સુરતમાં ત્રણ વર્ષમાં 18,000થી વધુ ખાડા પૂર્યાં
ગયા વર્ષે ૬૯,૯૩૧ મેટ્રિક ટન હોટ મિક્સ મટીરિયલનો ઉપયોગ કર્યો

સુરત: દર ચોમાસામાં સુરતના રસ્તાઓની ખરાબ હાલતથી લોકોમાં ભારે રોષ અને વિરોધ જોવા મળે છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાર આંકડાઓ મુજબ, શહેરમાં ખાડા રિપેરિંગનું કામકાજ મોટા પાયે થઈ રહ્યું છે, જે રસ્તાઓના નબળા બાંધકામની ગુણવત્તા દર્શાવે છે. છેલ્લા ત્રણ વર્ષમાં સૌથી વધુ હોટ મિક્સ મટીરિયલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓ મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાડા રિપેર કરવા માટે પ્રતિ ચોરસ મીટરે સરેરાશ ૨૮૦ કિલોગ્રામ હોટ મિક્સ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ખાડાઓ માત્ર નાના નહોતા પરંતુ એટલા ઊંડા હતા કે તેનાથી એસયુવી જેવા ઊંચા ગ્રાઉન્ડ ક્લિયરન્સ ધરાવતા વાહનોને પણ ગંભીર નુકસાન થઈ શકે તેમ હતું.
સૂત્રોએ જણાવ્યું કે આ ચોરસ મીટરનો વિસ્તાર માત્ર ખાડા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેની આસપાસની સપાટીનો પણ સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું કે, મોટા ભાગના રિપેરિંગ કામમાં વાસ્તવિક ખાડાવાળા સ્થળ કરતાં વધુ મોટા વિસ્તારમાં મટીરિયલનો ઉપયોગ થાય છે. રિપેરિંગ લાંબા સમય સુધી ટકી રહી અને મજબૂત બને તે માટે અમે ખાડાઓની આસપાસનો વિસ્તાર પણ રીપેર કરીએ છીએ.
આંકડા દર્શાવે છે કે ૨૦૨૨ થી ૨૦૨૫ દરમિયાન, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને ૧,૩૬૪ રસ્તાઓ પર ૧૮,૬૬૨ ખાડા રીપેર કર્યા હતા. જેણે કુલ ૪.૭૦ લાખ ચોરસ મીટરનો વિસ્તાર આવરી લીધો હતો. આ રિપેરિંગ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના પોતાના સ્ટાફ દ્વારા (કોન્ટ્રાક્ટરો દ્વારા નહીં) ૧.૩૨ લાખ મેટ્રિક ટન હોટ મિક્સ મટીરિયલનો ઉપયોગ કર્યો હતો.
ઉપલબ્ધ આંકડાઓ મુજબ ૨૦૨૨-૨૩માં ૨૪,૮૮૮ મેટ્રિક ટન, ૨૦૨૩-૨૪માં ૩૭,૮૩૪ મેટ્રિક ટન, અને ૨૦૨૪-૨૫માં ૬૯,૯૩૧ મેટ્રિક ટન હોટ મિક્સ મટીરિયલનો ઉપયોગ થયો હતો. આંકડા પરથી દર વર્ષે નુકસાન અને રિપેરિંગ એમ બંને કામમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું.
દર વર્ષે નુકસાન અને રિપેરિંગ માટે પણ તોતિંગ ખર્ચ
ખાડા રિપેરિંગ ઉપરાંત, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સામાન્ય રસ્તાના રિપેરિંગ માટે પણ મટીરિયલની ખરીદી પર મોટા પાયે ખર્ચ કર્યો હતો. છેલ્લાં ત્રણ વર્ષમાં પ્રશાસને ૫.૨૪ લાખ મેટ્રિક ટન ગ્રેન્યુલર સબ-બેઝ (જીએસબી), કપચી, પથ્થરની ધૂળ, ડામર અને અન્ય બાંધકામ મટીરિયલની ખરીદી પાછળ ૬૬ કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. આ સમયગાળામાં રસ્તા રિપેરિંગ પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટરોને વધારાના ૧૧ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.
આપણ વાંચો: ગુજરાત ભાજપમાં નવાજૂનીના એંધાણ: આવતીકાલે તમામ MLAને કમલમમાં આવવાનું તેડું