સુરત

સોશિયલ મીડિયા દ્વારા ધાક જમાવતા 300 નબીરાના એકાઉન્ટ પોલીસે ડિલિટ કરાવ્યા

સુરતઃ સોશિયલ મીડિયામાં હથિયારો સાથે રીલ બનાવીને ડોનગીરી કરતા શખ્સો સામે સુરત પોલીસ એક્શનમાં આવી હતી. આ પ્રકારની રીલ પોસ્ટ કરનારા 2,036 જેટલા અસામાજિક તત્વોની પોલીસે યાદી બનાવી છે. જેમાં ઘણાં એવા તત્વો પણ છે જે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને ભાઈગીરી અને ડોન જેવી છાપ ઊભી કરવા માટે રીલ બનાવે છે. આવા લોકોને ક્રાઈમ બ્રાન્ચે બોલાવીને સીનસપાટા બંધ કરી દેવા કડક સૂચના આપી હતી. 300થી વધુ અસામાજિક તત્વોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરમેનેન્ટ ડીલીટ કરી દીધા હતાં.

સોશિયલ મીડિયામાં રોફ જમાવતા લોકો સામે પોલીસની લાંલ આંખ

ગુજરાતના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા આપવામાં આવેલી સૂચના બાદ અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવી હતી. સુરત શહેરમાં પોતાની છાપ માથાભારે બતાવવા માટે સોશિયલ મીડિયા હેન્ડલ પર ભાઈગીરી, દાદાગીરી અને ગુંડાગર્દી દર્શાવતી રીલ મૂકી પોતાને ડોન હોય તેવી છબી ઊભી કરી રહ્યા હતા તેમનું પણ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. સુરત ક્રાઈમ બ્રાંચે આ પ્રકારના લોકોને બોલાવીને તેમને સમજાવવામાં આવ્યું કે, ‘તેઓ રીલમાં ભાઈગીરીની ગતિવિધિ છોડી દે અને પોતાનું એકાઉન્ટ ડીલીટ કરી દે’ જો ચેતવણી આપવા છતાં પણ જો એકાઉન્ટ બંધ નહીં કરે તો કાર્યવાહી પણ થઈ શકે છે.

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો દુરુપયોગ નહીં!

સુરત ક્રાઈમ બ્રાન્ચના એક્શન બાદ રીલમાં ભાઈગીરી કરનાર 300થી વધુ ઈસમોએ ક્રાઈમ બ્રાન્ચની અંદર જ પોતાના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, સ્નેપચેટ જેવા સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોતાનું એકાઉન્ટ પરમેનેન્ટ ડીલીટ કરી દીધું હતું. ‘ગોલ્ડન કિંગ’ સહિત અનેક એવા ઈસમો હતા, જેઓ સોશિયલ મીડિયા પર પોતાની છબી ‘શહેરના મોટાભાઈ’ તરીકે બતાવી રહ્યા હતા. આમાંથી અનેક લોકો પર મારામારી જેવી વિવિધ ફરિયાદો પણ નોંધાઈ હતી. પરંતુ અત્યારે પોલીસે આપેલી સુચના બાદ લોકોએ પોસ્ટ હટાવીને એકાઉન્ટને બંધ કરી દીધું છે.

પોલીસની જ હાજરીમાં પોતાનું એકાઉન્ટ પરમેનેન્ટ ડીલીટ કર્યું

સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોઝીયાએ જણાવ્યું હતું કે, ડીજીપીના આદેશ બાદ અસામાજિક તત્વોની યાદી બનાવવામાં આવી હતી અને તેમની વિરુદ્ધ કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન, જે લોકો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોતાને ‘ભાઈ’ તરીકે દર્શાવતા હતા અને રીલ મૂકતા હતા, તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. તેઓને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવીને સમજાવવામાં આવ્યું હતું. પોલીસના સમજાવ્યા બાદ, તેઓએ પોલીસની જ હાજરીમાં પોતાનું એકાઉન્ટ પરમેનેન્ટ ડીલીટ કર્યું છે. પોલીસની હાજરીમાં આવા 300 જેટલા લોકોએ પરમેનેન્ટ એકાઉન્ટ ડીલીટ કર્યા છે. આ અસામાજિક તત્વો પર ક્રાઈમ બ્રાન્ચ અને સાઇબર ક્રાઇમ બંને વિભાગ સતત નજર રાખી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button