
સુરતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 નવેમ્બરન રોજ ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે. પીએમ મોદી સુરત અને બીલીમોરા વચ્ચે શરૂ થનારી બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા કરશે. તેઓ અંત્રોલી સ્ટેશનની મુલાકાત લેશે. બુલેટ ટ્રેન કામગીરીની સમીક્ષા બાદ અધિકારીઓ સાથે વડા પ્રધાન બેઠક કરશે અને અત્યાર સુધીની કામગીરીની માહિતી મેળવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
પીએમ મોદી કેમ આવી રહ્યા છે ગુજરાત પ્રવાસે
પીએમ મોદી 15 નવેમ્બરે ગુજરાતના ડેડિયાપાડાની મુલાકાત લેશે. રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ ‘આદિવાસી ગૌરવ દિવસ’ની ઉજવણીના ભાગરૂપે પીએમ મોદી ગુજરાત આવશે. વડા પ્રધાન મોદી આ દિવસે મહાન આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીમાં ભાગ લેશે. કેન્દ્ર સરકારે બિરસા મુંડાની જન્મજયંતિને ‘આદિવાસી ગૌરવ દિવસ’ તરીકે જાહેર કરી છે.
PM મોદી આ દિવસે ડેડિયાપાડામાં આયોજિત ભવ્ય કાર્યક્રમમાં હાજરી આપશે અને દેશભરમાં થનારી 150મી જન્મજયંતિની ઉજવણીનો પ્રારંભ કરાવશે. આ ઉજવણી થકી આદિવાસી સમુદાયના યોગદાન અને સંસ્કૃતિને રાષ્ટ્રીય સ્તરે સન્માનિત કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ ત્યાંથી હેલિકોપ્ટર મારફતે સીધા ડેડિયાપાડા પહોંચશે. તેઓ કાર્યક્રમમાં આદિવાસી સમુદાયના લોકોને સંબોધિત કરશે અને વિવિધ વિકાસ કાર્યોનો શિલાન્યાસ અથવા લોકાર્પણ કરે તેવી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી 15 દિવસમાં બીજી વખત ગુજરાત મુલાકાતે પધારશે. આ પહેલા 30-31 ઓક્ટોબરે કેવિડયામાં યોજાયેલી એકતા પરેડમાં સામેલ થયા હતા.
આપણ વાંચો: સુરતના અનેક વિસ્તારોમાં ‘દાદા’ બનનાર આરોપીને પોલીસે ફિલ્મી ઢબે ઝડપ્યો



