ટોપ ન્યૂઝસુરત

વડા પ્રધાન મોદી આવતીકાલે ફરી ગુજરાતના પ્રવાસેઃ Suratમાં સિટી-BRTS બસના 22 રૂટ રદ

સુરતઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તાજેતરમા જ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત કરીને ગયેલા વડા પ્રધાન મોદી અઠવાડિયામાં બીજીવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના પ્રવાસને પગલે પોલીસ, પાલિકા અને કલેક્ટર તંત્રના ઉપરી અધિકારીઓ આયોજન સંદર્ભે સમીક્ષા સાથે સ્થળ નિરીક્ષણ, રૂટની ચકાસણી કરવામાં આવ્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 7મી માર્ચ 2025ના શુક્રવારના રોજ સુરત આવી રહ્યા છે. વડાપ્રધાન નરેદ્ર મોદી શુક્રવારે સાંજે 14 કિમી ગાડીમાં ફરશે અને શનિવારે સવારે 14 કિમીનો રૂટ ગાડીમાં કાપી એરપોર્ટથી નવસારી રવાના થશે. મોદીના રોડ-શોને લઈને રસ્તાઓથી માંડીને ડિવાઈડર, લાઈટોથી માંડી તમામ સ્તરે બ્યૂટિફિકેશનની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. તે પૂર્વે મનપા કમિશનર, પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, સુરત શહેરના મેયર સહિતના પદાધિકારીઓએ વડાપ્રધાન મોદીના રૂટનું નિરીક્ષણ કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને ગોડાદરાથી નીલગીરી સર્કલ અને ત્યાર બાદ સર્કિટ હાઉસ તરફના રૂટ પરની સિટી બસ અને બીઆરટીએસ બસો રદ કરવામાં આવી છે. 7મી માર્ચના દિવસે 22 જેટલા રૂટ બંધ રાખવાનો નિર્ણય સુરત મનપા દ્વારા કરવામાં આવ્યા છે.

આગામી 7મી માર્ચના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અન્ય મહાનુભાવો પણ સુરત આવનાર છે. જે સંજોગોમાં વડા પ્રધાન અને મહાનુભાવોની સુરક્ષા તેમજ કાયદો વ્યવસ્થાને ક્ષતિ ન પહોંચે તે હેતુથી પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને સુરતના શહેરી વિસ્તારને ‘નો ડ્રોન ફલાય ઝોન’ જાહેર કર્યો છે. આ વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઈડર, પેરા ગ્લાઇડર, પેરા મોટર તેમજ હોટ એર બલૂન તથા પેરા જમ્પિંગ ચલાવવા કે કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચો…ગુજરાત ATSએ પકડેલા આતંકી પાસેથી રામ મંદિરનો મળ્યો નકશો, પૂછપરછમાં કર્યો મોટો ખુલાસો

સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી નવસારી માટે રવાના થશે
શુક્રવારે સાંજે 4થી 6 વાગ્યા સુધી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ ખાતે લાભાર્થીઓ માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2 લાખથી વધુ લાભાર્થીઓને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવરી લેવાની સાથે વિશાળ જનસભાને સંબોધિત કરાશે. જાહેર કાર્યક્રમ પૂરો થયા બાદ PM મોદી 11 કિમીનું અંતર કાપી અઠવાલાઇન્સ સ્થિત સર્કિટ હાઉસ પહોંચશે. જ્યાં રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ 14 કિમીનું અંતર કાપી સુરત એરપોર્ટ પહોંચશે અને ત્યાંથી નવસારી કાર્યક્રમ માટે રવાના થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button