
સુરતઃ આત્મનિર્ભર ભારતને પ્રોત્સાહન આપવા અને સ્વદેશી ઉત્પાદનોને ટેકો આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફોર લોકલ’ના વિઝન પર ભાર મૂક્યો છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત આ વિઝનને સાર્થક કરવા માટે નોંધપાત્ર પગલાં લઈ રહ્યું છે.
આ પહેલના ભાગરૂપે, સુરતમાં ₹202 કરોડના ખર્ચે અત્યાધુનિક પીએમ એકતા મોલનું નિર્માણ થઈ રહ્યું છે. એકતા મોલનું નિર્માણ એ 2023-24ના કેન્દ્રીય બજેટમાં સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક કારીગરોને સશક્ત બનાવવા માટેના રાષ્ટ્રવ્યાપી અભિયાનનો ભાગ છે.
સુરત સ્થિત પીએમ એકતા મોલ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નવી તકો પ્રદાન કરશે
વડા પ્રધાનેએ ‘વોકલ ફોર લોકલ’ની મુહિમને સતત આગળ ધપાવતાં નાગરિકોને ભારતીય બનાવટની ચીજવસ્તુઓ અને સેવાઓને સમર્થન આપવા માટે વિનંતી કરી છે. સુરતમાં નિર્માણાધીન એકતા મોલ આ ઝુંબેશને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
આ પહેલ ODOP (એક જિલ્લો, એક ઉત્પાદન), GI-ટૅગ કેટેગરીની વસ્તુઓ અને દેશના દરેક ખૂણામાંથી પરંપરાગત હસ્તકલાને પ્રદર્શિત કરવા માટે એક રાષ્ટ્રીય પ્લૅટફોર્મ પૂરું પાડશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પીએમ એકતા મોલના નિર્માણની સતત સમીક્ષા કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને નવી તકો પ્રદાન કરશે અને કારીગરોને વધુ સશક્ત બનાવશે.
દેશભરમાં પીએમ એકતા મોલ માટે ₹5000 કરોડની ફાળવણી
સુરતમાં નિર્માણાધીન પીએમ એકતા મોલ એ નાણાં મંત્રાલયના ‘મૂડી રોકાણ માટે રાજ્યોને ખાસ સહાય માટેની યોજના 2023-24’ હેઠળ એક મુખ્ય પ્રોજેક્ટ છે. દેશભરમાં આવા મોલ્સ માટે ₹5,000 કરોડ ફાળવવામાં આવ્યા છે. સુરત એક મુખ્ય નાણાંકીય અને પ્રવાસન શહેર છે અને એકતા મોલના નિર્માણ બાદ તે ઘણાં મુલાકાતીઓને આકર્ષે તેવી અપેક્ષા છે.
તેમાં દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ માટે વિશેષ શોરૂમ હશે, જ્યાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ (ODOP) અને GI-ટૅગ કેટેગરીની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવશે. આ સાંસ્કૃતિક વિનિમય અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપશે. આ મોલ સ્થાનિક કારીગરોને ભારત અને વિશ્વભરના ખરીદદારો સાથે જોડશે, જેથી તેમના વેચાણમાં વધારો થશે અને ‘મેઇક ઇન ઇન્ડિયા’ મિશનને વેગ મળશે.
પીએમ એકતા મોલ એ માત્ર એક બજાર નથી, પણ ભારતના વૈવિધ્ય અને ઉદ્યોગસાહસિક ભાવનાનું પ્રતીક છે. તે સ્વદેશી ઉત્પાદનો અને નવીનતાને પ્રોત્સાહન આપીને વિકસિત ભારતના વિઝનમાં યોગદાન આપે છે.
‘વોકલ ફોર લોકલ’: ભારત બનશે એક મજબૂત, આત્મનિર્ભર અર્થતંત્ર
‘વોકલ ફોર લોકલ’ એ કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય ઝુંબેશ છે, જે લોકોને ભારતીય બનાવટની ચીજવસ્તુઓ અને સેવાઓને સમર્થન આપવા પર ભાર મૂકે છે. આત્મનિર્ભર ભારતના વિઝનને અનુરૂપ આ અભિયાનનો ઉદ્દેશ સ્થાનિક વ્યવસાયોને ટેકો આપવાનો, રોજગારીનું સર્જન કરવાનો અને ભારતના ઉત્પાદન ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે. ‘વોકલ ફોર લોકલ’ની ઝુંબેશ સ્થાનિક ઉત્પાદનને વેગ આપશે, આયાતમાં ઘટાડો કરશે અને ભારતને એક મજબૂત, આત્મનિર્ભર અર્થતંત્ર બનવાની દિશામાં લઈ જશે.
આ પણ વાંચો…સુરત બુલેટ ટ્રેનની સાઈટની ભારત અને જાપાનના પ્રધાને અચાનક લીધી મુલાકાત, જાણો શું કહ્યું?