સુરતમાં મેટ્રો બ્રિજના ઉદ્ધાટન પહેલા અમુક ભાગ તૂટતા પ્રશાસન જાગ્યું
સુરત: હાલમાં ગુજરાત સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પ્રોજેક્ટ પર ભાર મૂકીને જનતાની સુવિધામાં વધારો કરવાની જાહેરાતો કરે છે, પરંતુ નબળા કામકાજને કારણે સરકારની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતરમાં પાંચ મહિના પૂર્વે બનેલા સુદર્શન બ્રિજની કામગીરીમાં થયેલા ભ્રષ્ટાચારની તસ્વીરો સામે આવી રહી છે ત્યારે સુરતના મેટ્રો બ્રિજના નબળા કામકાજની પોલ ખુલતી તસવીરો વાઈરલ થઈ રહી છે.
મળતી માહિતી અનુસાર હાલમાં સુરતમાં મેટ્રોનું કામ ચાલી રહ્યુ છે ત્યારે સુરત કડોદરા વચ્ચે સારોલી પાસે બની રહેલા મેટ્રોના બ્રિજનો એક ભાગ વચ્ચેથી તૂટી ગયો હતો. બ્રિજ વચ્ચેથી તૂટી જવાના કારણે તાત્કાલિક અસરથી નીચે હાઈ-વે બંધ કરવાની પ્રશાસનને ફરજ પડી હતી. પોલીસ અધિકારીઓ દ્વારા વાહનોની અવરજવર આ રસ્તા પર બંધ કરાવી સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, તેથી તાત્કાલિક અસરથી ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા.
આ પણ વાંચો : રાજકોટમાં વધુ એક જમીન કૌભાંડ? કોંગ્રેસનો સણસણતો આક્ષેપ
હાલ મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે બ્રિજની વચ્ચેનો ભાગ અચાનક તૂટી પડતા પુલની કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થયા છે. અમુક ભાગ તૂટી પડતા બ્રિજની આસપાસના તમામ ગોડાઉનનો બંધ કરાવીને જાહેર જનતા અને વાહનોની અવરજવર બંધ કરાવી દેવામાં આવી છે. આ ઉપરાંત, કોઈ મોટી જાનહાનિ સર્જાય નહીં તેના માટે પોલીસ પ્રશાસન દ્વારા આ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
મેટ્રોના પુલનું કામ ચાલુ છે તેવાં સમયે બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હોવા છતાં મેટ્રોના અધિકારીઓ બે કલાક સુધી ઘટનાસ્થળ પર પહોંચ્યા નહીં હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. જોકે, માત્ર પોલીસ અધિકારીઓ અને ફાયર બ્રિગેડની ટીમ કામગીરીમાં લાગી હતી.
આ ઘટનાની જાણ થયા બાદ સ્થાનિક કોર્પોરેટર ઘટનાસ્થળ દોડી આવ્યા હતા, જે પુલનું હજુ સુધી લોકાર્પણ પણ નથી થયું ત્યાં તૂટે પડ્યું હતું એના અંગે પ્રશાસનની ઝાટકણી કાઢી હતી. જો આ દુર્ઘટના મેટ્રો સેવા શરૂ થયા બાદ સર્જાય હોત તો ઘણા લોકોના જીવનો ભોગ લેવાત, એવું અન્ય લોકોએ જણાવ્યું હતું.