સુરતના ગૌરવમાં વધારોઃ પલસાણા ગ્રામ પંચાયતને રાષ્ટ્રીય ઇ-ગવર્નન્સ એવોર્ડ મળ્યો

સુરત: આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે ખાતે તા.૨૨-૨૩ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલી ૨૮મી રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ કોન્ફરન્સમાં સુરત જિલ્લાના પલસાણા ગ્રામ પંચાયતને કેન્દ્રીય પ્રધાન ડો. જીતેન્દ્ર સિંહના હસ્તે રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ જ્યુરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન, નાગરિકોને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન અને નવીન પહેલને કારણે પલસાણા ગ્રામ પંચાયતને આ એવોર્ડ મળ્યો છે.
જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પિયુષ પટેલ, સરપંચ પ્રવિણભાઈ આહીર તથા તલાટી કમ મંત્રી પિનાક મોદીએ વિશાખાપટ્ટનમ ખાતે એવોર્ડ સ્વીકાર્યો હતો. કેન્દ્ર સરકારના વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગ, અને ઈલેક્ટ્રોનિક્સ તથા માહિતી ટેકનોલોજી મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે આયોજિત કોન્ફરન્સમાં દેશભરમાંથી ૧.૪૫ લાખથી વધુ એન્ટ્રીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી મૂલ્યાંકન બાદ પલસાણા ગ્રામ પંચાયતને પસંદ કરવામાં આવી હતી.
પલસાણા ગ્રામ પંચાયતની પસંદગી પ્રક્રિયા સૌપ્રથમ તાલુકા કક્ષાએ થઇ હતી. ત્યારબાદ જિલ્લા તથા રાજ્ય કક્ષાએ વિજેતા જાહેર થયા બાદ રાજ્ય સરકારે ગુજરાત તરફથી પલસાણાનું નામ કેન્દ્ર સરકારને સૂચવ્યું હતું. ત્યારબાદ કેન્દ્ર સરકારની ટીમે દરેક રાજ્યમાંથી સૂચવાયેલ ગ્રામ પંચાયતોની રૂબરૂ મુલાકાત લીધી અને અંતે ૬ ગ્રામ પંચાયતોને શોર્ટલિસ્ટ કરી હતી.
પલસાણાની પ્રજાલક્ષી ઉત્કર્ષ કામગીરી જેવી કે, ઓનલાઈન ટેક્ષ કલેક્શન, પોતાની વેબસાઈટ, તેમજ ૧૭,૦૦૦ થી વધુ ઓનલાઈન એપ્લિકેશનોની પ્રક્રિયા, ગામમાં સીસીટીવી કેમેરા સિસ્ટમ, ઓનલાઈન ફરિયાદ નિવારણ વ્યવસ્થા વગેરે રજૂ કરાઈ હતી. આ સિદ્ધિઓના આધારે અંતિમ પસંદગીમાં પલસાણા ગ્રામ પંચાયતને વિજેતા જાહેર કરવામાં આવી હતી.