OTT અને યૂટ્યુબના અશ્લીલ કન્ટેન્ટ પર અંકુશ મૂકવા મથુર સવાણીએ વડા પ્રધાન મોદીને લખ્યો પત્ર

સુરતઃ સોશિયલ મીડિયાનો વ્યાપ વધવાની સાથે ડિજિટલ મનોરંજનનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. પરંતુ તેની સાથે અશ્લીલ કન્ટેન્ટ પણ વધ્યું છે. આ અંગે પદ્મશ્રી મથુર સવાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને એઆઈ દ્વારા જનરેટેડ અશ્લીલ અને આપત્તિજનક વીડિયો પ્રસારિત કરતી યુટ્યૂબ ચેનલો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
મથુર સવાણીએ શું લખ્યું છે પત્રમાં
મથુર સવાણીએ તેમના પત્રમાં લખ્યું કે, ઇન્ટરનેટ અને ખાસ કરીને યૂ ટ્યુબ પર કેટલીક ચેનલો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો દુરુપયોગ કરીને અત્યંત અપમાનજનક અને બીભત્સ વીડિયો બનાવી રહી છે. આ વીડિયોમાં સામાન્ય વ્યક્તિઓથી લઈને દેશના વડા પ્રધાન જેવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓના ચહેરા અને અવાજનો ઉપયોગ કરીને અશ્લીલ સામગ્રી તૈયાર કરવામાં આવી રહી છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ કાયદાનું ઉલ્લંઘન કરે છે અને સમાજમાં, ખાસ કરીને યુવાનો, બાળકો અને મહિલાઓ માટે નકારાત્મકતા અને અનૈતિકતા ફેલાવી રહી છે.
આ ઉપરાંત પત્રમાં તેમણે લખ્યું કે, આ વીડિયોનું પ્રસારણ માત્ર વ્યક્તિગત અપમાન જ નથી પરંતુ, સાયબર પોર્નોગ્રાફીના ગંભીર ગુના હેઠળ પણ આવે છે. આવી સામગ્રી સમાજમાં અશાંતિ અને નૈતિક મૂલ્યોનું પતન કરી શકે છે. યુવા પેઢી પર તેની ખાસ કરીને ખરાબ અસર પડી શકે છે. આ ચેનલો સાયબર સુરક્ષા માટે પણ મોટો ખતરો છે કારણ કે, તેનો ઉપયોગ ખોટી માહિતી ફેલાવવા અને જાહેર વ્યક્તિઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા માટે પણ થઈ શકે છે. તાત્કાલિક કાર્યવાહીની માંગ મથુરભાઈ સવાણીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા અને કડક પગલાં લેવાની વિનંતી કરી હતી.
પીએમ મોદી સહિત કોને કોને કર્યા ટેગ
મથુર સવાણીએ આવી ચેનલોની તપાસ કરવામાં આવે અને તેમને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ ઉપરાંત આવી પ્રવૃત્તિઓમાં સામેલ લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને સમાજને આવા ખરાબ પરિણામોથી બચાવવો પગલાં લેવામાં આવે તેવો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. તેમણે આ પત્રની નકલ સાથે વડા પ્રધાન મોદી ઉપરાંત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને અશ્વિની વૈષ્ણવને પણ ટેગ કર્યા હતા.
મથુર સવાણી કોણ છે?
મથુર સવાણી એક જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવક છે. તેઓ સૌરાષ્ટ્રમાં પાણી સંરક્ષણ માટેના કામો માટે જાણીતા છે. તેઓ મૂળ ભાવનગર જિલ્લાના ખોપલા ગામના વતની છે અને 1975માં સુરત સ્થળાંતરિત થયા હતા. ત્યાં તેમણે હીરા ઉદ્યોગમાં કામ કરવાનું શરૂ કર્યું અને 1980માં પોતાની હીરાની પેઢી ‘સવાણી બ્રધર્સ’ની સ્થાપના કરી હતી. તેમણે 1997માં ‘સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ’ ની સ્થાપના કરી. આ ટ્રસ્ટ દ્વારા તેમણે સૌરાષ્ટ્રના સૂકા અને પાણીની અછતવાળા વિસ્તારોમાં જળ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવા માટે ઝુંબેશ અને પદયાત્રાઓનું આયોજન કર્યું. તેમણે લોકોની ભાગીદારી અને સરકારી સહયોગથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ચેક ડેમ બનાવવા માટે વ્યાપક કામ કર્યું. પાણી સંરક્ષણ ઉપરાંત, તેમણે ‘બેટી બચાવો અભિયાન’ ના સહ-સ્થાપક તરીકે પણ કામ કર્યું છે, જે કન્યા ભ્રૂણહત્યા અંગે જાગૃતિ ફેલાવવાનું કામ કરે છે. તેમના આ સામાજિક કાર્યોને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે 2014માં તેમને ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી થી સન્માનિત કર્યા હતા.