સુરતમાં NSUI હોદ્દેદારોનો ખંડણી કાંડ! કોલેજ સંચાલકોને ધમકી આપી રૂ.1 કરોડ માંગ્યા

સુરત: સુરતમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્સ્ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI Surat)ના 5 હોદ્દેદારોની ગંભીર આરોપસર ધપકડ કરવામાં આવી છે. કોલેજ સંચાલકોને ધમકી આપી ખંડણી ઉઘરાવવાના આરોપસર સુરતના સારોલી પોલીસે NSUIના 5 હોદ્દેદારોની ધરપકડ કરી છે.
કોલેજ સંચાલકોને ધમકી:
અહેવાલ મુજબ આરોપીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને અને સોશિયલ મીડિયા પર કોલેજો વિરુદ્ધ વીડિયો શેર કરીને ત્રણ ખાનગી કોલેજોને બદનામ કરવાની કોશિશ કરી હતી. આરોપીએ કોલેજ સંચાલકોને ધમકી આપતા કહ્યું હતું, ‘તમે વિદ્યાર્થીઓને નકલી ડિગ્રી અને માર્કશીટ આપો છો. સમાધાન કરો અને અમને 1 કરોડ રૂપિયા આપો, નહીંતર અમે તમારી કોલેજોને બદનામ કરીશું. કોઈ વિદ્યાર્થી તમારી કોલેજમાં ભણવા નહીં આવે અને તમારે કોલેજ બંધ કરવી પડશે.’
અહેવાલ મુજબ કોલેજ સંચાલકો અને NSUIના હોદ્દેદારો વચ્ચે 60 લાખ રૂપિયામાં સમાધાન થયું હતું. આરોપ મુજબ આરોપી 5 લાખ રૂપિયા લેવા માટે ગયા હતા. ઇન્સ્ટિટ્યૂટે આ મામલે સારોલી પોલીસને માહિતી આપી હતી.
5 શખ્સોની ધરપકડ :
તપાસ બાદ પોલીસને જાણવા મળ્યું કે આ ત્રણેય કોલેજો દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને 5 શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ શખ્સો NSUI ના સભ્યો છે અને તેમનો માસ્ટર માઈન્ડ ધીરેન્દ્ર સિંહ સોલંકી છે.
આ પણ વાંચો…ગુજરાતની જનતાને મળશે મફત વીજળી, સરકારે શું કહ્યું જાણો?
અહેવાલ મુજબ પોલીસે રવિ પૂંછડીયા, પ્રીત ચાવડા, ધીરેન્દ્ર સોલંકી, મિતેશ હડિયા અને તુષાર મકવાણાની ધરપકડ કરી હતી. જ્યારે અભિષેક ચૌહાણ અને કિશોરસિંહ ડાભીને ફરાર હોવાથી વોન્ટેડ જાહેર કર્યા હતાં. હાલ આ સમગ્ર મુદ્દે વધુ તપાસ ચાલી રહી છે.
પોલીસ હવે બે ફરાર આરોપીઓની શોધ કરી રહી છે અને ધરપકડ કરાયેલા આરોપીઓની પૂછપરછ કરી રહી છે કે તેમણે બીજા કેટલા લોકો પાસેથી ખંડણી માંગી છે.