
અમદાવાદ/સુરત: હવામાન વિભાગની આગાહી મુજબ નવરાત્રિમાં પણ વરસાદનું વિઘ્ન નડી શકે છે. 22 અને 23 સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ દરમિયાન સુરતમાં બે કલાકમાં અઢી ઇંચથી વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
સુરતમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
સુરતમાં માત્ર બે કલાકમાં જ અઢી ઇંચથી વધુ વરસાદ પડતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા.શહેરના વરાછા, વેસુ, અઠવા, અડાજણ, કતારગામમાં વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદની સાથે વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી. શહેરમાં અનેક જગ્યાએ ટ્રાફિક જામ સર્જાયો હતો.
હવામાન વિભાગની આગાહીથી ગરબા આયોજકોની ચિંતા વધી
હવામાન વિભાગ દ્વારા આગામી 23મી સપ્ટેમ્બર સુધી રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લા સિવાયના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હોય ખેલૈયાઓ અને ગરબા આયોજકોની ચિંતા વધી શકે છે.
આ પણ વાંચો: સુરતમાં ગરબા આયોજકો માટે આટલા નિયમોનું પાલન કરવું પડશે, નવરાત્રી પહેલા તંત્રની કડક કાર્યવાહી
બે કલાકમાં સુરતમાં સૌથી વધુ વરસાદ
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશનના આંકડા પ્રમાણે, બપોરે 12 થી 2 કલાકમાં 8 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં 2.76 ઇંચ, નવસારીમાં 0.79 ઇંચ, કપરાડામાં 0.39 ઇંચ, કામરેજમાં 0.24 ઇંચ, જલાલપોરમાં 0.12 ઇંચ, પલસાણામાં 0.12 ઇંચ, સુરતના મહુવામાં 0.08 ઇંચ, વાંસદામાં 0.08 ઇંચ વરસાદ ખાબક્યો હતો.