નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે મૈસુરમાં ચાલતી ડ્રગની લેબનો પર્દાફાશ કર્યો, 10 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું…

સુરત : નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ સુરતના દસ્તાન નજીક એક ફોર્ચ્યુનર કાર સાથે ત્રણ ડ્રગ પેડલરોને ઝડપી લીધા હતા. જેની તપાસમાં એનસીબીએ ગુજરાત, કર્ણાટક અને રાજસ્થાનમાં ફેલાયેલ એક મોટા ઇન્ટર-સ્ટેટ ડ્રગ્સ ટ્રાફિકિંગ સિન્ડિકેટનો પર્દાફાશ કરી મૈસુરમાં ચાલતી ગુપ્ત ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ લેબ શોધી કાઢી હતી. 10 કરોડથી વધુનું ડ્રગ્સ, અફીણ અને 25 લાખ રોકડા પણ કબજે લેવાયા હતા.
સુરત નજીક દસ્તાન ફાટક પાસેથી કર્ણાટક પાસિંગની ફોર્ચ્યુનર ગાડી રોકી
ગુજરાત એનસીબીને મળેલી બાતમીના આધારે 28 જાન્યુઆરીએ સુરત નજીક દસ્તાન ફાટક પાસેથી કર્ણાટક પાસિંગની ફોર્ચ્યુનર ગાડી રોકીને તપાસ કરતાં ગાડીમાંથી આશરે 35 કિલો મેફેડ્રોન (એમડી ડ્રગ્સ) મળી આવ્યું હતું. આ ઓપરેશન બાદ એનસીબીની ટીમે સુરત પોલીસની સંયુક્ત કાર્યવાહી હેઠળ પાલસાણામાં આવેલા દસ્તાન રેસિડેન્સી ખાતે રહેતા મહિન્દ્રકુમાર બિશ્નોઇના ઘરમાં સર્ચ હાથ ધરાયું. બિશ્નોઇના ઘરમાંથી 1.8 કિલો અફીણ, ₹25.6 લાખ રોકડ તેમજ ડ્રગ્સ બનાવવા ઉપયોગી વિવિધ રસાયણો મળી આવ્યા હતા.
મહિન્દ્ર બિશ્નોઇને આ સમગ્ર ડ્રગ્સ નેટવર્કનો માસ્ટરમાઈન્ડ
મહિન્દ્ર બિશ્નોઇને આ સમગ્ર ડ્રગ્સ નેટવર્કનો માસ્ટરમાઈન્ડ હોવાનું તપાસમાં પ્રકાશમાં આવ્યું હતું. એજન્સીની તપાસ દરમિયાન ખુલ્યું કે મહિન્દ્ર બિશ્નોઇ અગાઉ પણ અફીણ અને ડ્રગ્સના ધંધામાં સંડોવાયેલો હતો. એનડીપીએસ કેસમાં જેલમાં હતો તે દરમિયાન અન્ય કેદીઓ સાથે સંપર્કમાં આવી તેણે સિન્થેટિક ડ્રગ્સ બનાવવાની યોજના ઘડી હતી. જેલમાં રહી તેણે ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા, માર્કેટ ડિમાન્ડ અને સપ્લાય ચેઇનની વિગતો મેળવી અને જામીન પર બહાર આવ્યા બાદ 2024માં મૈસુરના હેબ્બલ ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં એક ગુપ્ત લેબ શરૂ કરી હતી.
એનસીબીની ટીમે મૈસુરની લેબમાં દરોડો પાડી તપાસ કરી
આ લેબને કેમિકલ ક્લીનિંગ પ્રોડક્ટ્સ બનાવતી યુનિટ તરીકે દર્શાવાઈ હતી. એનસીબીની ટીમે મૈસુરની આ લેબમાં દરોડો પાડી તપાસ કરી હતી. તપાસમાં આધુનિક મશીનો અને 500 કિલોગ્રામથી વધુ કેમિકલ્સ સાથે સંપૂર્ણ રીતે કાર્યરત ડ્રગ્સ લેબ મળી આવી હતી. આ યુનિટ માસ્ટરમાઈન્ડ બિશ્નોઇના એક સગાએ ભાડે લીધી હોવાનું પણ બહાર આવ્યું છે. આ કેસમાં અત્યાર સુધી ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તમામ આરોપીઓ રાજસ્થાનના જાલોર જિલ્લાનાં રહેવાસી હોવાનું સામે આવ્યું છે. એજન્સીએ રૂપિયા 10 કરોડથી વધુની ડ્રગ્સ, રોકડ, વાહન અને કેમિકલ્સ જપ્ત કર્યા છે. ફોરેન્સિક તપાસ માટે લેબ સીલ કરવામાં આવી છે.
બિશ્નોઇ ગુજરાતના ઘણા ડ્રગ્સ સપ્લાયરોના સંપર્કમાં હતો
એનસીબીની ટીમે ડ્રગ્સની આંતરરાજ્ય સિન્ડિકેટના ચાર પેડલરો અને માસ્ટર માઈન્ડને ઝડપી લીધો છે. સુરતથી ઝડપાયેલા બિશ્નોઇએ પોતાના સાગરીતો સાથે મળી મૈસુરમાં ડ્રગ્સ બનાવવાની લેબ શરૂ કરી હતી. હાલ એજન્સીને તપાસમાં આવી વિગતો મળી રહી છે કે બિશ્નોઇ ગુજરાતના ઘણા ડ્રગ્સ સપ્લાયરોના સંપર્કમાં હતો. હવે આ તમામ સપ્લાયરોની તપાસ કરવામાં આવી રહી છે.



