સુરત

સુરતમાં નજીવી વાતમાં 26 વર્ષના યુવકની હત્યાઃ લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ

સુરત: સુરતનાં પલસાણાથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, અહી લગ્ન પ્રસંગમાં ખૂની ખેલ ખેલાયો છે. સુરતનાં પલસાણા તાલુકાનાં જોળવા ગામે લગ્ન પ્રસંગનાં D.J. પ્રોગ્રામમાં નાચવા જેવી નજીવી બાબતે 26 વર્ષીય યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે પલસાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

આ પણ વાંચો: સુરતમાં આર્થિક સંકડામણમાં વધુ એક પરિવારે કર્યો સામુહિક આપઘાત

ડીજેમાં નાચવા બાબતે ખૂની ખેલ

પ્રાપ્ત વિગતો અનુસાર પલસાણા તાલુકાનાં જોળવા ગામનો રહેવાસી 26 વર્ષીય રવિ દુબે તેના મિત્રો સાથે તેમના જ ગામમાં લગ્ન પ્રસંગમાં ગયો હતો. ત્યાં ડીજે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ દરમિયાન નાચવા જેવી સામાન્ય બાબતે રવિને લગ્નમાં હાજર અન્ય ત્રણ લોકો સાથે ઝગડો અને બોલાચાલી થઈ હતી. આથી ઉશ્કેરાઈને ડીંડોલી સુરતનો રહેવાસી અક્ષય સિંધે ચપ્પુ કાઢી મૃતક રવિ પર ઘાવ કર્યો હતો. આ દરમિયાન અન્ય એક યુવકે પણ રવિ પર ચપ્પુ વડે હુમલો કર્યા બાદ નાસી છૂટયા હતા.

ત્રણ આરોપીઓ સામે નોંધાઈ ફરિયાદ

ત્રણે આરોપીઓ ખૂની ખેલને અંજામ આપીને ત્યાંથી નાસી છૂટયા હતા. લોહીલુહાણ હાલતમાં રવિને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે પલસાણા પોલીસ સ્ટેશનમાં સુરતનાં મધુરમ સર્કલ ડીંડોલીના રહેવાસી અક્ષય સિંધ અને ચેતન બોરકર તેમજ અન્ય એક અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાઈ છે.

પોલીસે આપી માહિતી

સુરત ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી એચએલ રાઠોડે આ અંગે જણાવ્યું હતું કે મૃતક રવિ તેના મિત્ર તુષારના ભાઈના લગ્નમાં આવ્યો હતો. ડીજે પર નાચતી વખતે ઝઘડો થયો, જે પાછળથી હત્યામાં પરિણમ્યો હતો. લગ્ન સમારંભમાંથી બહાર આવ્યા પછી, રામેશ્વર મંદિરની સામેના ચોકમાં ફરી ઝઘડો થયો, જ્યાં અક્ષય, ચેતન અને અન્ય એક વ્યક્તિએ રવિ પર છરી વડે હુમલો કર્યો. આ કેસની તપાસ માટે પોલીસે ત્રણ ટીમો બનાવી છે. એક શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય બે આરોપીની શોધખોળ ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button