
નવી દિલ્હીઃ ડાયમંડ નગરી સુરતમાં ઓડિશા, બિહાર સહિત અન્ય રાજ્યોના પરપ્રાંતીયો મોટી સંખ્યામાં વસે છે. દિવાળીના પર્વ પર વતન જવા રેલવે સ્ટેશન પર ભારે ભીડ જામતી હોય છે. ઓડિશાના વતનીઓને સુરતથી અમૃત ભારત ટ્રેનની સુવિધા મળશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 27 સપ્ટેમ્બરે ઓડિશાના બ્રહ્મપુર (બેરહામપુર) ને ગુજરાતના સુરત જિલ્લામાં આવેલા ઉધના સાથે જોડતી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનનું લોકાર્પણ કરશે. આ દરમિયાન તેઓ ₹ 1700 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું પણ અનાવરણ કરશે. ઓડિશાની મુલાકાત દરમિયાન, PM મોદી સંબલપુર સિટીમાં ₹ 273 કરોડના ખર્ચે બનેલા 5 કિલોમીટર લાંબા ફ્લાયઓવરનું પણ ઉદ્ઘાટન કરશે.
અમૃત ભારત એક્સપ્રેસ વિશે અધિકારીઓએ જણાવ્યું કે આ ટ્રેન 27 સપ્ટેમ્બરે બ્રહ્મપુરથી બપોરે 12 વાગ્યે ઉપડશે. આ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગુજરાતના મુખ્ય રૂટ પર દોડશે. તે ખનિજ, કાપડ અને વેપાર કેન્દ્રોને જોડીને આર્થિક અને ઔદ્યોગિક ગતિશીલતાને પ્રોત્સાહન આપશે.
ગુજરાતમાં કયા કયા સ્ટેશને થોભશે ટ્રેન
અમૃત ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 09022) 27 સપ્ટેમ્બરે બ્રહ્મપુરથી બપોરે 12:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 21:00 કલાકે સુરત (ઉધના) પહોંચશે. આ ટ્રેન પલાસા, વિઝિયાનગરમ, રાયગડા, તિતલાગઢ, રાયપુર, નાગપુર, ભુસાવલ અને નંદુરબાર જેવા મુખ્ય સ્ટેશનો પર રોકાશે. આ ઉપરાંત, તે શ્રીકાકુલમ, બોબ્બિલી, પાર્વતીપુરમ, સુંગરપુર રોડ, મુનિગુડા, કેસિંગા, કાંટાબાંજી, ખારીઆર રોડ, મહાસમુંદ, લાખોલી, દુર્ગ, ગોંદિયા, વર્ધા, બડનેરા, અકોલા, માલકાપુર, જલગાંવ, ધારણગાંવ, અમલનેર, સિંધખેડા, ડોંડાઇચા, નવાપુર, વ્યારા અને બારડોલી જેવા સ્ટેશનો પર પણ થોભશે.
ટ્રેનની વિશેષતાઓ
આ આધુનિક LHB કોચ સાથે તૈયાર કરાયેલી અમૃત ભારત એક્સપ્રેસમાં સુધારેલી બેઠક વ્યવસ્થા, લેટેસ્ટ ઓનબોર્ડ સુવિધાઓ સાથે મુસાફરીનો ઉત્તમ અનુભવ મળશે. અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનમાં કુલ 22 કોચ હશે, જેમાં 11 જનરલ સેકન્ડ ક્લાસ સીટીંગ કોચ, 8 સ્લીપર ક્લાસ કોચ, 2 સેકન્ડ ક્લાસ કમ લગેજ વાન અને 1 પેન્ટ્રી કારનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: દિવાળી પર સુરતથી સૌરાષ્ટ્ર જતાં મુસાફરો માટે 1,600 એકસ્ટ્રા બસ દોડાવાશે