સુરતના ડુમસ બીચ પર મર્સિડીઝ ફસાઈ, બહાર કાઢવા ક્રેઈન બોલાવવી પડી…

સુરતઃ શહેરના ડુમસ બીચ પર વાહનો લઈ જવાનો પ્રતિબંધ હોવા છતાં અનેક લોકો સીન સપાટા મારવા તેમના વાહનો લઈને જાય છે, દજોકે ઘણી વખત પાણીમાં ફસાઈ જાય છે. વધુ એક વખત નિયમોની અવગણના કરીને દરિયાકિનારે લઈ જવાયેલી એક મોંઘીદાટ મર્સિડીઝ કાર દરિયાની રેતીમાં ખરાબ રીતે ફસાઈ ગઈ હતી અને લગભગ 60 ટકા જેટલી પાણીમાં ડૂબી ગઈ હતી. ભારે જહેમત બાદ માંડ-માંડ તેને બહાર કાઢવામાં આવી હતી અને આ માટે ક્રેઈન બોલાવવામાં આવી હતી. ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.
મળતી વિગત પ્રમાણે, મર્સિડીઝ કારને ચાલક દ્વારા બીચના કિનારે ઊંડે સુધી રેતીમાં લઈ જવામાં આવી હતી. અચાનક દરિયાના પાણીનો પ્રવાહ વધતા કાર રેતીમાં ધસી ગઈ હતી. દરિયાના મોજાંનો માર એટલો જોરદાર હતો કે કારનો પાછળનો ભાગ મોટાભાગે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.

પાણીના પ્રવાહને કારણે કારની પાછળની ડીકી પણ ખૂલી ગઈ હતી. કારને બહાર કાઢવાના તમામ સ્થાનિક પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે, કારને બહાર કાઢવા માટે વિશાળ કાય ક્રેન મંગાવવાની નોબત આવી હતી. ક્રેનની મદદથી દરિયામાં ફસાયેલી આ મોંઘી કારને રેતીમાંથી બહાર કાઢીને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી હતી.
પોલીસે કારના નંબરના આધારે માલિક વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જુલાઈ મહિનામાં પણ ડુમસના દરિયાકિનારે સ્ટંટ કરવાના ચક્કરમાં એક યુવકે પોતાની લક્ઝુરિયસ કાર જાણે ડૂબાડી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે, સુરક્ષાની દ્રષ્ટિએ ડુમસના દરિયાકિનારા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ઉપરાંત કાર લઈ જવા મનાઈ ફરમાવવામાં આવી છે. તેમ છતાં લોકો પોલીસ પેટ્રોલિંગની અવગણના કરીને ગાડી સાથે પહોંચી જાય છે.



