સુરત ધર્મ પરિવર્તન કેસમાં સરકારી શિક્ષક અને ખેડૂત સહિત 4 આરોપી જેલભેગા; શું છે આ આખું નેટવર્ક?

સુરત: જિલ્લાના માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કથિત રીતે દબાણપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવાના મામલામાં પોલીસે વધુ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ સાથે જ આ કેસમાં પકડાયેલા આરોપીઓનો આંકડો હવે ૪ પર પહોંચી ગયો છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ડેડિયાપાડાના રેલવા મિશન ફળિયાના પ્રાથમિક શિક્ષક ગુરજી કોટિયા વસાવા અને માંડવીના લુહારવાડ નિશાળ ફળિયાના ખેડૂત નવીન ચુનીલાલ ચૌધરીનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓને માંડવી સિવિલ કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેમના ૨૨ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ સમગ્ર મામલો એક મહિલાની ફરિયાદ બાદ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે તેને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા માટે મજબૂર કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ મુજબ, મુખ્ય આરોપી ડો. અંકિત ચૌધરીએ લગ્નની લાલચ આપી મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું. ડો. અંકિત અને તેના પિતા રામજી ચૌધરીએ મહિલાને શરત આપી હતી કે જો તે ખ્રિસ્તી ધર્મ અપનાવશે તો જ લગ્ન શક્ય બનશે. નોંધનીય છે કે રામજી ચૌધરી માંડવી તાલુકાના પીપલવાડા ગામની સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે અને ધાર્મિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક ખાનગી ટ્રસ્ટમાં પણ સક્રિય છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીઓ એક ચોક્કસ પદ્ધતિથી કામ કરતા હતા. શારીરિક કે માનસિક બીમારીઓથી રાહત મેળવવા અથવા પ્રાર્થનાના બહાને લોકોને ડો. અંકિત પાસે મોકલવામાં આવતા હતા. ત્યારબાદ મહિલાઓને ‘ચમત્કાર’ જેવી ઘટનાઓ બતાવીને પ્રભાવિત કરવામાં આવતી અને અંતે ધર્મ પરિવર્તન માટે પ્રેરવામાં આવતી હતી. આ કેસમાં ભોગ બનનાર મહિલાનું ધર્મ પરિવર્તન ૨૦ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ઈસ્ટરના અવસરે કરાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.
હાલ પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ પદ્ધતિ દ્વારા અત્યાર સુધીમાં અન્ય કેટલા લોકોનું ધર્મ પરિવર્તન કરાવવામાં આવ્યું છે અને આમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે. આગામી દિવસોમાં આ કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.



