સુરતમાં પ્રૌઢે તાપી નદીમાં ઝંપલાવ્યું, તેજ વહેણમાં તણાયા બાદ પણ રહ્યા જીવતા

સુરતઃ સુરતની તાપી નદીમાં એક પુરુષે મોતની છલાંગ લગાવી હતી. ઘરેલું કંકાસથી ત્રાહિમામ પોકારીને પ્રૌઢે તાપીના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું. છલાંગ લગાવ્યા બાદ પાણીના વહેણમાં દૂર સુધી તણાયો હતો. લોકોએ તેને જોયા બાદ ફાયરબ્રિગેડને જાણ કરી હતી અને તેને બચાવી લેવામાં આવ્યો હતો. પાણીના તેજ વહેણણાં પણ પ્રૌઢ જીવતા રહ્યા એ બાબત કોઈ ચમત્કારથી ઓછી નથી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી તંત્રની બહાદુરીને બિરદાવી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જહાંગીરપુરામાં રહેતા 55 વર્ષીય અલીભાઇ પટેલ અડાજણ પાટિયા ખાતેના ચન્દ્રશેખર આઝાદબ્રિજ ઉપરથી નદીમાં કૂદ્યા હતા, જોકે તેઓ ધસમસતા પાણીના વહેણમાં ખેંચાઇ રહ્યા હતા. એ સમયે સદનીસબે તેમના હાથમાં ઝાડીઝાંખરા આવી જતાં પકડી લીધાં હતા બાદમાં ફાયરબિગેડને જાણ કરાતાં તરત જ ફાયર લાશ્કરો બ્રિજ પર પહોંચ્યા હતા.
બે ફાયરના જવાનો તાત્કાલિક બ્રિજની વચ્ચેના ભાગેથી દોરડા વડે નદીમાં ઊતર્યા હતા. બાદમાં બંને જવાનો રિંગબોયા લઇને તરતાં તરતાં અલીભાઇ પાસે પહોંચ્યા હતા. બાદમાં ફાયર જવાનોએ રિંગબોયાનો ઉપયોગ કરીને પાણીના વહેણમાંથી ભારે જહેમત ઉઠાવીને આધેડનું રેસ્ક્યૂ કરીને સહીસલામત અડાજણ તરફના નદી-કિનારે લાવ્યા હતા. રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પ્રૌઢને સારવાર માટે લઈ જવાયા હતા. સારવાર બાદ તેમણે નદીમાં કૂદ્યાની કહાની વર્ણવી હતી.
આ પણ વાંચો…સુરતમાં કોંગ્રેસના નેતાએ તાપી નદીમાં ઝંપલાવીને કર્યો આપઘાત…