સુરત

એક નહીં પણ 5539 દીકરીના ‘પપ્પા’: પિતા વિનાની દીકરીઓ માટે જીવતરનો ભાર ઉપાડ્યો સુરતના આ ઉદ્યોગપતિએ….

સુરત: જે વર્ષે આપણી ઘરે દીકરા કે દીકરીના લગ્ન હોય તો તેના આગળના વર્ષેથી જ તેની દોડધામ શરૂ થઈ જતી હોય છે, પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે એક એવા પણ માણસ આપણા જ સમાજમાં છે કે જેમના માથા પર માત્ર એક-બે કે ત્રણ નહીં પણ 5,539 દીકરીના પ્રસંગ ઉકેલવાની જવાબદારી છે. હા, અહી વાત થઈ રહી છે મૂળ સૌરાષ્ટ્રના અને હાલ સુરતના ઉદ્યોગપતિ મહેશભાઈ સવાણીની.

સાંભળવામાં અશક્ય લાગતી આ વાતને મહેશભાઈ સવાણીએ હકીકત કરી બતાવી છે. છેલ્લા 18 વર્ષથી પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલી નિરાધાર દીકરીઓ માટે મહેશભાઈ માત્ર પિતા જ નહીં, પણ એક મજબૂત આધારસ્તંભ બન્યા છે, જ્યારે હજારો દીકરીઓનું કન્યાદાન કરવા સાથે ઘર પણ વસાવી આપ્યું છે.

મહેશભાઈ સવાણી

2007થી શરૂ થઇ આ અવિરત સફર
મહેશભાઈ સવાણીએ વર્ષ 2007થી શરૂ થયેલી આ અવિરત સફરમાં અત્યાર સુધીમાં તેઓ 5539 દીકરીનું કન્યાદાન કરી ચૂક્યા છે. તાજેતરમાં 20 અને 21 ડિસેમ્બરના ‘કોયલડી’ થીમ હેઠળ આયોજિત બે દિવસીય સમારોહમાં વધુ 133 દીકરીને સાસરે વળાવી મહેશભાઈએ પિતા તરીકેની તમામ જવાબદારીઓ શાહી ઠાઠથી નિભાવી હતી.

લગ્ન પછી પણ ઉપાડે છે જવાબદારી
મહેશભાઈ સવાણી માત્ર દીકરીઓના લગ્ન કરાવીને જ સંતોષ નથી માનતા, પરંતુ લગ્ન પછીની ખુશીઓનું પણ પૂરું ધ્યાન રાખે છે. આ વર્ષે પરણેલી તમામ દીકરીઓ અને જમાઈઓને હનીમૂન માટે કુલ્લુ-મનાલી મોકલવામાં આવશે, જ્યારે મુસ્લિમ દીકરી-જમાઈને 15 દિવસ માટે ઉમરાહની પવિત્ર યાત્રાએ મોકલવાનું આયોજન કરાયું છે.

એટલું જ નહીં, બંને પક્ષની માતાઓને અયોધ્યા, વારાણસી, પ્રયાગરાજ અને સ્વામિનારાયણ મંદિરોની ધાર્મિક યાત્રા કરાવીને સવાણી પરિવારે સામાજિક જવાબદારીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. મહેશભાઈ જણાવે છે કે, “દીકરી વહાલનો દરિયો છે અને પિતા વગરની દીકરીના સપના પૂરા કરવા એ જ મારો સંકલ્પ છે.”

મુસ્લિમ દીકરીએ પણ દિલની વાત કરી
લગ્નપ્રસંગે એક મુસ્લિમ દીકરીએ ભાવુક થતા જણાવ્યું હતું કે પિતાના અવસાન બાદ પરિવારમાં મારી લગ્નને લઈ ખૂબ ચિંતા હતી, પણ મહેશ પપ્પાએ તે બધી જ ચિંતા દૂર કરી દીધી. જો મારા સગા પિતા જીવિત હોત તો કદાચ તેઓ પણ આટલા શાહી લગ્ન ન કરાવી શક્યા હોત.

મહેશભાઈ દરેક દીકરીને ‘રોલ નંબર’ આપીને તેની ઓળખ રાખે છે, જેથી ભવિષ્યમાં પણ ગમે ત્યારે દીકરીને જરૂર પડે તો તેઓ પિતા તરીકે પડખે ઉભા રહી શકે. ઈશ્વરની કૃપા હશે ત્યાં સુધી આ સેવાયજ્ઞ ચાલુ રાખવાની નેમ સાથે મહેશભાઈએ કુલ 11,111 દીકરીઓના લગ્ન કરાવવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button