સુરતમાં લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપાઈ: 5 બહેનપણીઓ નકલી માતા-બહેનો બનતી હતી...

સુરતમાં લૂંટેરી દુલ્હન ગેંગ ઝડપાઈ: 5 બહેનપણીઓ નકલી માતા-બહેનો બનતી હતી…

સુરતઃ સુરત શહેરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો હતો. નકલી માતા-બહેનો બની પાંચ યુવતીઓ ટોળકી બનાવી હતી. ઓટો ચલાવનારા કાઝી પાસે યુવકના એક લાખમાં નિકાહ કરાવ્યા બાદ રાત્રે જ દુલ્હન છૂ થઈ ગઈ હતી.

મળતી વિગત પ્રમાણે, સુરતની પાંચ મહિલાની ટોળકીએ અમદાવાદ ખાતે રહેતા એક દિવ્યાંગ યુવક સાથે નિકાહનું નાટક રચીને એક લાખ પડાવ્યા હતા. નિકાહની રાત્રે જ દુલ્હન તેના પરિવાર સાથે ફરાર થઈ ગઈ હતી. ઘટના અંગે યુવકે પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ ગેંગની ધરપકડ કરી હતી. જેમાં ઘણા ચોંકાવનારા ખુલાસા થયા હતા. પીડિત યુવાન પોતાની પત્નીનો પરિવાર સમજી રહ્યો હતો, તે માત્ર લૂંટ માટે પાંચ યુવતી દ્વારા બનાવામાં આવેલી એક ગેંગ હતી. આ ગેંગમાં ખૂદ દુલ્હન જ પરિણીત હતી.

લૂંટેરી ગેંગની સભ્ય અને એજન્ટ હીના (નરગીશબાનુ)ના સંપર્કમાં અમદાવાદનો દિવ્યાંગ યુવક આવ્યો અને નિકાહ માટે સુરતની સના નામની એક યુવતીને પસંદ કરી હતી. બાદમાં એજન્ટ હીના દ્વારા યુવકને જણાવવામાં આવ્યું હતું કે, દુલ્હનની પિતા નથી. માતા અને બે બહેનો જ છે. આ ષડયંત્રમાં યુવતીની માતા બની ઝરીના ખાતુન, બહેન તરીકે મુસ્કાન અને શાહિસ્તા, એજન્ટ તરીકે હીના (નરગીશબાનુ) હાજર રહી હતી. સના નામની 18 વર્ષીય યુવતીને દુલ્હન તરીકે ઉભી કરવામાં આવી હતી, જ્યારે વાસ્તવમાં સનાના માતા-પિતાને આ નિકાહ વિશે કોઈ જાણ પણ નહોતી.

યુવક નિકાહ માટે તૈયાર થઈ જતાં એજન્ટ ઝરીના ખાતુને તેના નાનપુરા વિસ્તારમાં આવેલા ઘરે જ કરાવાયા હતા. જેમાં કાઝી તરીકે ઈર્શાદ પઠાણ નામના રિક્ષાચાલકે નિકાહ પઢવ્યા હતા. નિકાહ પછી દુલ્હન અને તેનો બનાવટી પરિવાર યુવક સાથે અમદાવાદ ગયો હતો, જ્યાંથી રૂપિયા રૂ. 1,00,000 પડાવી સુરત પરત ફર્યા હતો. ત્યારબાદ યુવકના સંબંધીઓના બધા ફોન નંબર બ્લોક કરી દીધા હતા. જ્યારે યુવકે તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોઈ જવાબ મળ્યો નહીં. બાદમાં યુવકે ફરિયાદ કરવાની વાત કહેતા તમામ યુવતીઓએ યુવકને દુષ્કર્મના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.

યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તરત જ તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે પાંચ યુવતીને ઝડપી પાડી હતી.

આપણ વાંચો : સુરતમાં ફરી વિચિત્ર કિસ્સો: 17 વર્ષના કિશોરને ભગાડી જનારી યુવતી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ

Back to top button