સુરતને લોજિસ્ટિક હબ બનાવવા સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો, જાણો શું થશે લાભ

સુરતઃ ડાયમંડ નગરી સુરતને લોજિસ્ટિક હબ બનાવવા પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને જીઆઈડીબીના પ્રયાસથી તૈયાર થયેલો રિપોર્ટ સરકારને મોકલવામાં આવ્યો હતો. આ પ્લાનનો મુખ્ય હેતુ સુરતને લોજિસ્ટિક હબ બનાવીને રોજગારીની નવી તકો ઉભી કરવાનો છે.
લોજિસ્ટિક હબ બનવાથી શું ફાયદો થશે?
શહેરને લોજિસ્ટિક હબ બનાવવાનો ઉદ્દેશ આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોની સ્કીલ ડેવલપ કરવાનો પણ છે. લોજિસ્ટિક પ્લાન હેઠળ, ભવિષ્યમાં તમામ કનેક્ટિવિટીને એક જ ડેશબોર્ડ પર લાવવામાં આવશે.
આ ડેશબોર્ડમાં વેરહાઉસિંગ, મલ્ટિમોડલ લોજિસ્ટિક પાર્ક્સ, ઇલેક્ટ્રિક ફ્રેઇટ કોરિડોર્સ, ડ્રાઇવર્સ માટેની સંકલિત સુવિધાઓ અને ટ્રાન્સપોર્ટેશન જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ પ્લાન અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં લોજિસ્ટિક સુવિધાઓ વિકસાવવામાં આવશે, જેથી ટેક્સટાઇલ સહિતના વિવિધ ઉદ્યોગોને સીધો લાભ મળી શકે.
સુરત શહેરમાં બુલેટ ટ્રેન, મેટ્રો ટ્રેન, ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર, દિલ્હી-મુંબઈ ઔદ્યોગિક કોરિડોર, રેલવે કોરિડોર, નેશનલ અને સ્ટેટ હાઈવે, એક્સપ્રેસ વે, આઉટર રિંગ રોડ, પોર્ટ અને એરપોર્ટ જેવી અનેક કનેક્ટિવિટી સુવિધાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે. આ તમામ સુવિધાઓ લોજિસ્ટિક્સ ક્ષેત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે,આ પ્રોજેક્ટથી સુરતનો જીડીપી ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વધશે અને સાથે સાથે લોકો માટે રોજગારીની નવી તકો પણ ઊભી થશે.