બારડોલીમાં ખેતરમાં આગ લાગતા દીપડાના બચ્ચા દાઝ્યા, વન વિભાગે કરાવ્યું માતા સાથે પુનઃમિલન

(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરત: સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અકોટી ગામે માનવતા અને વન્યજીવ પ્રેમના દર્શન કરાવતી એક હૃદયસ્પર્શી ઘટના સામે આવી છે. અકોટી ગામે શેરડીના ખેતરમાં લાગેલી આગમાં દીપડીના ત્રણ બચ્ચા ગંભીર રીતે દાઝી જવાની ઘટના બની હતી, પરંતુ સમયસર સારવાર કરતા બે બચ્ચા બચાવી લઈને તેની માતા સુધી પહોંચાડવામાં સફળતા મળી હતી.
ખેતરમાં શેરડીની કાપણી પૂર્વે લગાવેલી આગમાં એક બખોલમાં ફસાયેલા બચ્ચા દાઝ્યા હોવાની જાણ થતા જ એનજીઓ અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તમામ બચ્ચાને તાત્કાલિક પશુચિકિત્સક પાસે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે ગંભીર રીતે દાઝેલા એક બચ્ચાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
સારવાર બાદ સ્વસ્થ થયેલા અન્ય બે બચ્ચાને તેમની માતા સાથે પુનઃ મિલન કરાવવા માટે વન વિભાગ દ્વારા ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ખેતરમાં સુરક્ષિત જગ્યાએ બચ્ચાને મૂકી ફોર-જી સીસીટીવી કેમેરા દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી હતી.
રાત્રિના સમયે માદા દીપડી ત્યાં આવી પહોંચી હતી અને પોતાના બંને બચ્ચાને સુરક્ષિત રીતે વગડામાં લઈ ગઈ હતી. માતા અને બચ્ચાના મિલનના આ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા, જેનાથી વન્યજીવ પ્રેમીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.



