Gujarat ના બી.ઝેડ. ગ્રુપના નાણાકીય કૌભાંડમાં શિક્ષકની સંડોવણી હશે તો કાયદેસર કાર્યવાહી કરાશે

સુરત: ગુજરાતમાં(Gujarat)બી.ઝેડ. ગ્રુપની લોભામણી સ્કીમમાં હજારો લોકો નાણા રોકીને છેતરપિંડીનો ભોગ બન્યા છે. જેમાં ઘણા શિક્ષકો પણ સંડોવાયેલા હોય એવી વિગતો બહાર આવતા રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, બી.ઝેડ. ગ્રુપના નાણાકીય કૌભાંડમાં શિક્ષકોની સંડોવણીની પ્રાથમિક માહિતી મળી છે. જો કોઈ શિક્ષકો લોભામણી સ્કીમમાં સંડોવાયેલા હશે તો તેમની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: માંડવીના વિઢ ગામના શિક્ષકે વિદ્યાર્થીઓને ફોનમાં બતાવ્યા અશ્લીલ વીડિયો, હવે રફ્ફુચક્કર
શિક્ષકો લોભામણી સ્કીમમાં એજન્ટ બનીને કામ કરે તે ખૂબ ચિંતાજનક બાબત
રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ વધુમાં કહ્યું કે, શિક્ષકનું સમાજમાં આદરભર્યું, પ્રતિષ્ઠિત સ્થાન હોય છે. બાળકો શિક્ષકોને અનુસરતા હોય છે. ત્યારે શિક્ષણકાર્ય કરવાના બદલે શિક્ષક જ આ પ્રકારની લોભામણી સ્કીમમાં એજન્ટ બનીને કામ કરે તે ખૂબ ચિંતાજનક બાબત છે. આવા સ્વાર્થી શિક્ષકો પાસેથી બાળકોને સંસ્કારયુક્ત શિક્ષણ મળશે એવી અપેક્ષા રાખવી વ્યર્થ છે.
આ પણ વાંચો: આ શિક્ષકે 1200 ખેડૂતોને બનાવ્યા આર્થિક રીતે સદ્ધર ઑર્ગેનિક ખેતીથી કરે છે કરોડોની કમાણી
કોઈપણની ભલામણ ચાલશે નહીં
CID ક્રાઈમ BZ ગ્રુપની તેમજ તેના સૂત્રધારો, મળતિયાઓ, એજન્ટોની તલસ્પર્શી તપાસ કરી રહી છે, જેમાં કોઈ પણ શિક્ષકોના નામ ઉજાગર થશે તો તેમની સામે શિક્ષાત્મક કાર્ય કરવામાં આવશે તેમજ કોઈપણની ભલામણ ચાલશે નહીં એમ તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું.