સુરતનું મોટું માથુ ગણાતા કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ, શું છે કેસ ?

સુરતઃ શહેરનું મોટું માથુ ગણાતા અને સુરત જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. આર્થિક ગુના નિવારણ સેલ દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાતના ગંભીર કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી કનૈયા કોન્ટ્રાક્ટરે તેમના સગાભાઈ અને ભાભીના નામે રહેલી પેઢીની મિલકતોના બોગસ પાવર ઑફ એટર્ની બનાવ્યા હતા. આ બનાવટી દસ્તાવેજો પર ખોટી સહીઓ કરીને તેમણે રૂ, 2.92 કરોડની લોન મેળવી હતી.
લોન લીધા બાદ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરે હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. જેના કારણે તેમના ભાઈ અને ભાભી મુશ્કેલીમાં મુકાયા હતા. આ કૃત્ય બદલ તેમની સામે સુરત ઈકો સેલમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ધરપકડના ડરથી કનૈયા કોન્ટ્રાક્ટરે સૌપ્રથમ સુરતની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે નામંજૂર થઈ હતી, ત્યારબાદ, ગુજરાત હાઈ કોર્ટ અને અંતે સુપ્રીમ કોર્ટમાં પણ તેમની આગોતરા જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે કનૈયાલાલ કોન્ટ્રાક્ટરને 6 અઠવાડિયાનો સમય આપીને બે મુખ્ય નિર્દેશ કર્યા હતા. જેમાં બોગસ ડોક્યુમેન્ટ્સથી મેળવેલી લોનની સંપૂર્ણ ભરપાઈ કરવી અને બનાવેલા બોગસ દસ્તાવેજો મૂળ ફરિયાદીને પરત કરવા સામેલ હતા. સુપ્રીમ કોર્ટના આદેશ પછી કનૈયા કોન્ટ્રાક્ટરે લોનની રકમ તો ભરી દીધી, પરંતુ બોગસ દસ્તાવેજો પરત કર્યા નહોતા. આ અંગે મૂળ ફરિયાદીએ ફરી સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી કે આરોપીએ દસ્તાવેજો પરત ન આપીને ગુનાહિત માનસિકતા દર્શાવી છે. આખરે, સુપ્રીમ કોર્ટે કનૈયાલાલ કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલી વચગાળાની તમામ રાહત રદ્દ કરી દીધી હતી. જે બાદ સુરત ઈકો સેલે તાત્કાલિક કાર્યવાહી કરીને પ્રમુખ કનૈયાલાલ કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી હતી.



