કરો વાત! સુરતનો રત્નકલાકાર વેબસીરિઝ જોઈને નકલી નોટો છાપવાનું શીખ્યું

સુરત: રાજ્યમાં નકલી ચીજ વસ્તુની સાથે જ બની રહેલી નકલી નોટોને અને બનાવનારને પોલીસ ઝડપી લીધા છે. પોલીસને મળેલી બાતમીના આધારે કામરેજના એક ફ્લેટમાં દરોડો પાડ્યો હતો. પોલીસ એક રત્નકલાકારની 60 હજાર કિંમતની ચલણી નોટો મળીને કુલ 1.56 લાખના મુદ્દા માલ સાથે એક રત્નકલાકારની ધરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના કામરેજમાં આવેલ શ્રીજી એવન્યુ ફ્લેટમાં રહેતો કરણ ગુણવંત વાઢેર જે પોતાના ઘરે નકલી ચલણી નોટો છાપતો હોય તેવી બાતમીના આધારે સુરત એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો અને નકલી નોટો છાપવાના કારોબારને ઉઘાડો કરી દીધો હતો. ઝડપાયેલ આરોપી રત્ન કલાકાર હોય અને પોતાના જ ઘરે નકલી નોટો છાપતો હોવાનું ખૂલ્યું છે.
આ પણ વાંચો : તિરંગા યાત્રામાં ‘ગુજરાત પોલીસ’નો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર
પોલીસને રેડ દરમિયાન ચલણી અને નકલી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને રેડ દરમિયાન 60 હજાર કિંમતની 214 નંગ ચલણી નોટો મળી આવી છે જેમાં 500 રૂપિયાની કિંમતની 68 નંગ નોટો મળી છે કે જેની કિંમત 34 હજારની છે. 22,800 કિંમતની 200 રૂપિયાની 114 નંગ નોટ, 100 રૂપિયાની 32 નંગ નોટ મળીને 3200 રૂપિયા અને કુલ 214 નોટો મળી આવી હતી. આ સિવાય પોલીસને 76 હજાર રૂપિયાના કિંમતની નકલી પ્રિંટેડ નોટો મળી આવી હતી.
આરોપીની ધરપકડ કરીને પોલીસે તેની પાસેથી 15 હજારની કિંમતનું કલર પ્રિન્ટર, પાંચ હજારની કિંમતનો મોબાઈલ, 6 હજારની રોકડ સહિત કુલ 1,56,600 કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. સાથે જ ઝડપાયેલ આરોપી પૈસાને બે ગણા કરવાની લાલચે પૈસા બીજાને આપતો હોવાનું જાણવા મળેલ છે. નકલી નોટો છાપવાના કાંડનો મુખ્ય સૂત્રધાર કારણ વાઢેર આ ટેકનિક હાલ ખૂબ જ ચર્ચામાં રહેલી ફર્જી વેબસીરિઝ જોઈને શીખ્યો હોવાનું પોલીસ પૂછપરછમાં કબૂલ્યું છે.