ઓલિમ્પિક 2036માં 100 મેડલનો લક્ષ્યાંક, જેમાં 10 તો માત્ર ગુજરાતના જ હશે: જય શાહ

સુરતઃ શહેરમાં ‘રન ફોર ગર્લ ચાઈલ્ડ હાફ મેરેથોન 2.0’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેને આઈસીસી (ICC) ચેરમેન જય શાહે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જય શાહે સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત 2030માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે, પરંતુ આપણું અસલી લક્ષ્ય 2036માં ઓલિમ્પિકને ભારત લાવવાનું છે.
સુરતમાં આયોજિત ‘રન ફોર ગર્લ ચાઈલ્ડ હાફ મેરેથોન 2.0’ ને આઈસીસી (ICC) ચેરમેન જય શાહે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે ભારતની રમતગમતની ક્ષમતા અને ભવિષ્યના રોડમેપ વિશે મહત્વની વાત કરી હતી.
જય શાહે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત 2030માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાન બનવા જઈ રહ્યું છે, પરંતુ આપણું અસલી લક્ષ્ય 2036માં ઓલિમ્પિકને ભારત લાવવાનું છે. તેમણે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રમતગમત પ્રત્યે વધતી જાગૃતિને કારણે ભારત આગામી વર્ષોમાં વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ સર કરશે.
ભારતની સફળતાનો મંત્ર આપતા જય શાહે ઉમેર્યું હતું કે, “2024ના ઓલિમ્પિકમાં આપણે આઠ મેડલ જીત્યા, પરંતુ 2036માં આ આંકડો પૂરતો નહીં હોય. આપણે ઓછામાં ઓછા 100 મેડલ જીતવાનો સંકલ્પ કરવો પડશે, જેમાંથી 10 મેડલ તો એકલું ગુજરાત લાવશે તેવો મને અતૂટ વિશ્વાસ છે.”
ક્રિકેટની સફળતાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, જે રીતે 2023ના વર્લ્ડ કપમાં હાર બાદ આપણે હિંમત ન હારી અને 2024માં T20 વર્લ્ડ કપ તેમજ ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને બતાવ્યું કે આપણે દિલ અને કપ બંને જીતી શકીએ છીએ, તે જ જોશ હવે અન્ય રમતોમાં પણ જોવા મળશે.



