સુરતમાં પુત્રવધૂને ‘દીકરી’ ગણીને પરણાવીઃ હિરપરા પરિવારે કર્યું પ્રેરણાદાયી ‘કન્યાદાન’

સુરત/અમરેલી: આજના જમાનામાં હજુ પણ વિધવાના પુનઃલગ્ન પણ સમાજ સ્વીકારતો નથી ત્યારે અમરેલી જિલ્લાના લીલીયા મોટા તાલુકાના સનાળીયા ગામના વતની અને હાલ સુરત ખાતે રહેતા હિરપરા પરિવારે તાજેતરમાં એક એવો લગ્નસમારંભ યોજ્યો, જેણે સમાજને સ્નેહ અને ઉદારતાની ઉત્તમ શીખ આપી હતી. સામાન્ય રીતે સાસરીમાં પુત્રવધૂનું આગમન થતું હોય છે, પરંતુ બાબુભાઈ હિરપરાના પરિવારે અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે પોતાની પુત્રવધૂને દીકરી ગણીને લગ્ન કરાવીને કન્યાદાન પણ કરાવ્યું હતું.
આ હૃદયસ્પર્શી પ્રસંગ સુરતના કતારગામ ખાતે આવેલા ગાયત્રી મંદિરે રવિવારે યોજાયો હતો. દીકરી રૂપલ અને જમાઈ જયંતીએ ધાર્મિક વિધિ મુજબ સાત ફેરા ફરીને નવા દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી, ત્યારે સમગ્ર પરિવારની આંખોમાં પુત્રીને વિદાય આપવાનો અને સાથે જ ખુશીનો અનોખો ભાવ જોવા મળ્યો હતો.
હિરપરા પરિવારના આ પ્રેરણાદાયી નિર્ણયને બિરદાવવા અને નવદંપતીને શુભકામનાઓ પાઠવવા માટે અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સભાના સાંસદ સભ્ય ગોવિંદભાઈ ધોળકિયા, પૂર્વ પ્રધાન વલ્લભભાઈ કાકડીયા, અરજણભાઇ ધોળકિયા, જયંતીભાઈ નારોલા સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ હાજરી આપી હતી.
યજમાન પરિવારે, જેમાં બાબુભાઈ, મનુભાઈ, ભનુભાઈ હિરપરા અને અન્ય સભ્યોનો સમાવેશ થાય છે, તમામ મહેમાનોને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. આ તમામ અગ્રણીઓએ નવદંપતિનું આવનારું જીવન સુખમય રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. પુત્રવધૂને દીકરીનો દરજ્જો આપીને તેના લગ્ન કરાવવાનો હિરપરા પરિવારનો આ નિર્ણય માત્ર એક પારિવારિક પ્રસંગ નથી, પરંતુ સમાજમાં વડીલોના પ્રેમ અને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ છે.
આ સદ્કાર્યએ સાબિત કર્યું કે સંબંધો લોહીના નહીં, પણ હૃદયના હોય છે. લીલીયાના સનાળીયા ગામના આ પરિવારે સુરતની ભૂમિ પર એક એવું પર્વ ઉજવ્યું, જે આવનારી પેઢીઓ માટે એક પ્રેરણા બની રહેશે.
આપણ વાંચો: ગુજરાતમાં નલ સે જલ યોજનાની શું છે સ્થિતિ? ગેનીબેન ઠાકોરના સવાલના જવાબમાં શું બહાર આવી વિગત



