Top Newsસુરત

સુરતમાં બિલ્ડરે રસ્તો રોકી મનાવ્યો દીકરાનો બર્થ ડે, કારચાલકે વાંધો લેતાં કરી ગંદી હરકત

સુરતઃ રાજ્યમાં રોડ પર કેક કાપવી, ફટાકડા ફોડવા અને ‘તાયફા’ કરવાના વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. સુરતમાંમાં જાહેરમાં બર્થ ડે સેલિબ્રેશનની વધુ એક ઘટના સામે આવી હતી. જાણીતા બિલ્ડરે રસ્તો રોકી દીકરાનો બર્થ ડે મનાવ્યો હતો. કારચાલકે આ અંગે વાંધો લેતા ગંદી હરકત કરી હતી.

શું છે મામલો

સુરતના ડુમસ વિસ્તારના ઉદ્યોગપતિ દીપક ઇઝારદારે પોતાના પુત્રના જન્મદિન નિમિત્તે કથાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ બાદ, તેમણે અને તેમના બાઉન્સરોએ જાહેર માર્ગ પર ટ્રાફિક રોકી દીધો હતો અને રસ્તાની વચ્ચે ફટાકડા ફોડ્યા હતા. આ દરમિયાન રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જ્યારે એક કાર ચાલકે હોર્ન વગાડી રસ્તો માંગ્યો ત્યારે ઉદ્યોગપતિએ તેની પર નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે દલીલ કરી હતી કે, ‘મેં કાર ચાલકને એટલે રોક્યો હતો કારણ કે જો પેટ્રોલ આગ પકડી લેત તો કારમાં સવાર લોકોના જીવ જોખમમાં મુકાઈ શકત.’

જ્યારે લોકોએ રસ્તો ખોલવા વિનંતી કરી ત્યારે ઉદ્યોગપતિએ ધાક-ધમકી આપી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમણે કાર સળગાવી દેવાની ધમકી પણ ઉચ્ચારી હતી. જાહેર જનતામાં આ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો હતો.

પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

કાયદાનો ઉલાળિયો કરી પુત્રના જન્મદિવસની ઉજવણી કરનાર ઉદ્યોગપતિ દીપક ઇઝારદાર સામે આખરે પોલીસનો સકંજો કસાયો છે. જાહેર રસ્તા પર ટ્રાફિક રોકીને આતશબાજી કરનાર અને વાહનચાલકોને ડરાવનાર આ બિઝનેસમેનની ડુમસ પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.

ઓક્ટોબરમાં પણ બની હતી આવી ઘટના

સુરત શહેરમાં ઓક્ટોબર મહિનામાં ભાજપ વોર્ડ નં. 24ના પ્રમુખ પ્રકાશ ખેરનારે પોતાનો જન્મદિવસ ઉધના વિસ્તારમાં ધામધૂમથી ઊજવ્યો હતો. ભાજપના વોર્ડ પ્રમુખે મુખ્ય પ્રધાન અને પૂર્વ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના ફોટા મૂકી રસ્તા પર બર્થ ડે ઉજવ્યો હતો. આ ઉજવણી ઉધનામાં આવેલી સાંઇબાબા સોસાયટીના ગેટ પર જાહેર માર્ગ પર કરવામાં આવી હતી. વોર્ડ પ્રમુખના સમર્થકોએ જાહેર માર્ગ પર ફટાકડા ફોડ્યા હતા અને રસ્તા પર ઉજવણી કરીને આખા રોડને જાણે બાનમાં લીધો હતો. જાહેર માર્ગો પર આવી ઉજવણી પર સ્પષ્ટ પ્રતિબંધ હોવા છતાં ખેરનારે પોતાના જન્મદિવસની ઉજવણી જાહેરમાં કરીને જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો હતો.

આ ઉપરાંત નવસારી ભાજપ યુવા મોર્ચના પ્રમુખ ભાવેશ પાટીલ ઉર્ફે સોનુએ જાહેર માર્ગ પર જન્મ દિવસની ઉજવણી કરી હતી. તેણે ફિલ્મી સ્ટાઈલમાં કારમાંથી એન્ટ્રી લીધી હતી. ઉપરાંત સમર્થકોની હાજરીમાં કેક કટિંગ પણ કર્યું હતું.

આપણ વાંચો:  સુરેન્દ્રનગરમાં 1500 કરોડના જમીન કૌભાંડ મામલે 4 સામે FIR: જિલ્લા કલેક્ટરની થઈ બદલી

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button