
સુરતઃ સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ હંમેશા કોઈકને કોઈક કારણોસર ચર્ચામાં રહેતી હોય છે. કીર્તિ પટેલ અને વિવાદો જાણો એકબીજાના પર્યાય બની ગયા છે. બિલ્ડર પાસે બે કરોડની ખંડણી માગી અને સોશિયલ મીડિયામાં બદનામ કરવા કાવતરાની તેની સામે ફરિયાદ થઇ હતી. જૂન 2024માં કીર્તિ પટેલ સહિત 7 લોકો સામે ફરિયાદ દાખલ થઈ હતી. છેલ્લા 10 મહિનાથી નાસતી ફરતી કીર્તિ પટેલને પોલીસે અમદાવાદથી ઝડપી લીધી હતી. કાપોદ્રા પોલીસ દ્વારા કીર્તિ પટેલને સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જ્યાં કોર્ટ દ્વારા કીર્તિ પટેલને જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો. કીર્તિ પટેલની ફરી એકવાર જેલમાં એન્ટ્રી થઈ હતી.
એક સમયે હતી ફેશન ડીઝાઈનર

કીર્તિ પટેલ હાલ સુરતમાં વસવાટ કરે છે. તે સોશ્યલ મીડિયામાં ખુબ પોપ્યુલર છે. કીર્તિ પટેલ એક સમયે ફેશન ડીઝાઇનર હતી ત્યારબાદ તેમણે કોમેડી વીડિયો બનાવી અને યૂટ્યુબ અને ટીકટોકમાં ઝંપલાવ્યું હતું. જેમાં તેમને ખાસ્સી એવી લોકપ્રિયતા મળી હતી. કીર્તિ પટેલ ખૂબ જ ટીકટોકમાં વાયરલ થયા બાદ એક સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુનસર બની ગઈ હતી. શરૂઆતમાં માત્ર કોમેડી વીડિયો બનાવતી કીર્તિ પટેલ હવે વધારે વિવાદોથી ઘેરાયેલી રહે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ‘ડાયરા કિંગ’ દેવાયત ખવડ અને સોશિયલ મીડિયા ‘સ્ટાર’ કીર્તિ પટેલ ફરી આવ્યા વિવાદમાં, જાણો વિગત
ખજૂરભાઈ સાથે પણ લઈ ચુકી છે પંગો
કીર્તિ પટેલ અને ખજૂરભાઈ નામના યુટ્યૂબર્સ વચ્ચે થોડા સમય પહેલા કોઈ મુદ્દાને લઈ માથાકૂટ થઈ હતી. આ પ્રકરણમાં દિનેશ સોલંકીએ પોતાની ચેનલ પર ખજૂરભાઈની ફેવર અને કીર્તિ પટેલના વિરોધમાં આપત્તિજનક વીડિયો અને પોસ્ટ મૂકતો હતો. આ પોસ્ટને લઈ યુટ્યૂબર રોયલ રાજા ઉર્ફે દિનેશ સોલંકી ચર્ચામાં આવ્યો હતો. દિનેશ સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ આરોપીઓ તેને એક ગોળના રાબડા પર લઈ ગયા હતા, જ્યાં તેનાં કપડાં ઉતારી નગ્ન કરી, ઊંધો સુવડાવી ઢોરમાર માર્યો હતો. હુમલા દરમિયાન આરોપીઓએ કીર્તિ પટેલને વીડિયો કૉલ કર્યો હતો. આ વીડિયો કોલમાં કીર્તિએ કહ્યું કે, રોયલ રાજાની મૂછ અને વાળ સારાં નથી લાગતાં, કાપી નાંખો. કીર્તિના આદેશ બાદ હુમલાખોરોએ મારી મૂંછ અને વાળ કાપી નાખ્યાં હતાં. આ વિવાદ ખૂબ ચગ્યો હતો.
અમદાવાદમાં ઋષિભારતીના રૂમમાં ઘૂસીને અંગત સામાન ફંફોળી બનાવ્યો હતો વીડિયો
અમદાવાદના સરખેજમાં આવેલા ભારતી આશ્રમનો વિવાદ થોડા સમય પહેલા સામે આવ્યો હતો. આશ્રમમાં હરિહરાનંદ બાપુએ કમાન સંભાળી બન્ને શિષ્યોને પદ પરથી હટાવતાં આમને સામને ચોંકાવનારા આરોપ પ્રતિઆરોપ કર્યા હતા.આ બધાની વચ્ચે વિવાદિત સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલે ઋષિભારતીના રૂમમાં ઘૂસીને અંગત સામાન ફંફોળી વીડિયો બનાવ્યો હતો.
જૂનાગઢમાં ભેસાણના નવા બસ સ્ટેશન પાસે રહેતા જમનભાઈ બાવાભાઈ ભાયાણી સામે કીર્તિ પટેલ વીડિયો બનાવીને માર મારવાની ધમકી આપ્યા બાદ તેને માર મારવા સુરતથી સાથીદારો સાથે પહોંચી હતી. કીર્તિ પટેલ સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જોકે પોલીસ સમયસર પહોંચી જતાં મોટી માથાકૂટ થાય તે પહેલા જ કીર્તિને તેના સાથીદારો સાથે ઝડપી પાડવામાં આવી હતી.