સુરતમાં 10 હની ટ્રેપ ગેંગ સક્રિયઃ 20 ટકા કમિશનથી મહિલાઓ કરતી હતી કામ

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં એક કે બે નહીં 10 જેટલી હનીટ્રેપ ગેંગ સક્રિય હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. એસઓજીને મળેલી બાતમી અનુસાર આ ગેંગની ખાસ મોડસ ઓપરેન્ડી હતી. ધનાઢ્ય યુવકોને ફસાવવા માટે સુંદર મહિલાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને મહિલાઓને આ કામ માટે 20 ટકા કમિશન આપવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ ગેંગ મુખ્યત્વે પૈસાદાર લોકોને જ ટાર્ગેટ કરે છે. આ પહેલા જેને ફસાવવાના હોય તેની તમામ વિગતો એકત્ર કરતા હતા. માત્ર ધનાઢ્ય લોકોને જ ફસાવવામાં આવતા હતા. આ ગેંગ્સ ડેટિંગ એપ્સ જેવી કે, ટિન્ડર, બમ્બલ, લવલી અને ફેસબુક જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ભરપૂર ઉપયોગ કરે છે.
તેઓ સૌપ્રથમ આ પ્લેટફોર્મ્સ પર મિત્રતા કેળવે છે. આ મહિલા પહેલા મેસેજ દ્વારા વાતચીત શરૂ કરે છે અને પ્રેમપૂર્વકના સંદેશાઓ દ્વારા પીડિતને વિશ્વાસમાં લેવામાં આવે છે. ધીમે-ધીમે તેમને લલચાવી-ફોસલાવીને કોઈ રૂમમાં બોલાવવામાં આવે છે. યુવક એકવાર રૂમમાં પહોંચ્યા પછી આ મહિલા શારીરિક સંબંધ બાંધે છે.
આ દરમિયાન તેમના મળતિયા ત્રાટકે છે. બ્લેકમેઇલિંગ કરીને તોડપાણી કરે છે. તાજેતરમાં જ અમરોલીના એક રત્નકલાકારને હનીટ્રેપમાં ફસાવીને 20 લાખની ખંડણી માંગવાના કેસમાં કુખ્યાત મશરુ બંધુ અને એક મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની તપાસમાં ઉપરોક્ત ખુલાસા થયા હતા.