હર્ષ સંઘવીએ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાન પામેલ ડાંગરના પાકનું નિરીક્ષણ કર્યું, ખેડૂતોને કરી આ અપીલ…

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ જતાં રાતા પાણીએ રડવાનો વારો આવ્યો હતો. ખેડૂતોની આ વેદના અને નુકસાનીની ગંભીરતા સમજવા માટે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી અસરગ્રસ્ત ખેતરોમાં પહોંચ્યા હતા.
ધરતીપુત્રોની વાસ્તવિક પરિસ્થિતિ જાણવા માટે પ્રોટોકોલને નેવે મૂક્યો હતો. તેઓ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સેલુત અને દીહેણ ગામની સીમમાં બગડી ગયેલા ડાંગરના ખેતરમાં ઉતર્યા હતા. બગડેલા અને નમી ગયેલા પાકની વચ્ચે ચાલતા, તેમણે ખેડૂતની જેમ જ ડાંગરના પાકને પોતાના હાથમાં લીધો હતો અને તેની નુકસાનીનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું.
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ડાંગરનું સૌથી વધુ વાવેતર થાય છે, ત્યાં ખેડૂતોને ડાંગરના તૈયાર પાકને વ્યાપક નુકસાન થતા માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હતો. ખેતરમાં હાજર ખેડૂતો સાથે હર્ષ સંઘવીએ સંવેદના સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિના કારણે જે તકલીફ આવી છે, તે દુઃખ હું તમારું સમજી શકું છું. આ નુકસાનને એ જ લોકો સમજી શકે જે લોકોએ ખોયું છે. તેમણે ખેડૂતોને હિંમત રાખવા અને સરકારની સર્વે પ્રક્રિયામાં સહકાર આપવા માટે અપીલ કરી હતી.
નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી જ્યારે ખેડૂતોને મળવા માટે પહોંચ્યા, ત્યારે રોડ પર ડાંગર સૂકવવા માટે રાખેલ એક મહિલા ખેડૂત પોતાની રજૂઆત કરતાં રડી પડી હતી. તેના આંસુ રોકાવાનું નામ લેતા ન હતા. હર્ષ સંઘવી સામે પોતાની રજૂઆત કરી રહેલી આ મહિલા ખેડૂત સતત રડી રહી હતી. હર્ષ સંઘવીએ હાથમાં ડાંગર લઈને નુકસાનીનું નિરીક્ષણ કર્યું હતું.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદ અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેતી પાકોને થયેલા નુકશાન અંગે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવીને ધરતીપુત્રોની આપદાના આ સમયે તેમની પડખે ઉભા રહેવાના દિશાનિર્દેશો આપ્યા હતા. મુખ્ય પ્રધાને આ અસાધારણ સંજોગો અને રાજ્યના ખેડૂતોના પાકને થયેલા નુકસાન અંગે અસરગ્રસ્ત વિસ્તારોમાં પંચકામ કરીને ઝડપથી ત્રણ દિવસમાં સમીક્ષા થાય તથા તેનો અહેવાલ રાજ્ય સરકારેને તુરંત જ મોકલવામાં આવે તે માટેની સૂચનાઓ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આપી હતી.
આ પણ વાંચો…ગુજરાતમાં આ વર્ષે નવેમ્બર ‘ભીનો’ રહેશે: હવામાન વિભાગની આગાહી



