નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી રેલવે મુસાફરી કરીને સુરત પહોંચ્યા, લવ-જેહાદ પર આકરા પ્રહાર કર્યા…

સુરતઃ રાજ્યના નવનિયુક્ત નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ નાયબ મુખ્ય પ્રધાન તરીકેનો પદભાર સંભાળ્યા બાદ રેલવે મુસાફરી કરીને પોતાના મત વિસ્તાર સુરત પહોંચ્યા હતા. જોકે, દિવાળીના પર્વ નિમિત્તે નાગરિકોને પરિવહન કે ટ્રાફિકની અડચણનો સામનો ન કરવો પડે તે ઉદ્દેશ્યથી તેમણે તેમની સ્વાગત રેલી ન નીકાળવા આહવાન કર્યું હતું.
નાયબ મુખ્યમંત્રી સુરત પહોંચતા સુરતના કાર્યકરો તેમજ શુભેચ્છકો તેમના ભવ્ય સ્વાગત અને અભિવાદન રેલી માટે મોટી સંખ્યામાં આતુર હતા. પરંતુ હર્ષ સંઘવીએ દિવાળી પર્વના કારણે સામાન્ય નાગરિકોને અગવડ ન પડે તે માટે તેમની સ્વાગત રેલી ન યોજવા માટે સ્પષ્ટ જણાવી દીધું હતું.

આ મુલાકાત દરમિયાન તેમણે સુરત શહેર અને રેન્જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ અવસરે તેમણે રાજ્યના કાયદા-વ્યવસ્થાની સ્થિતિ પર વિસ્તારપૂર્વક વાત કરી હતી અને ખાસ કરીને ડ્રગ્સના દૂષણ અને લવ-જેહાદના મામલે આકરા પ્રહાર કરીને પોલીસ તંત્રને કડક કાર્યવાહી કરવા માટે પ્રોત્સાહિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હવે નાના-નાના ડ્રગ્સ-પેડલરો પર હલ્લાબોલ થશે.

સંઘવીએ કહ્યું, ગુજરાતમાં લવ-જેહાદનું ષડયંત્ર નહીં ચાલે. સાચો પ્રેમ કરનારને હેરાન નહીં કરવામાં આવે, પરંતુ નામ બદલીને કોઈ ષડયંત્ર કરશે તો ચલાવી નહીં લેવાય. હું કોઈ પ્રેમનો વિરોધી નથી, તમામને પ્રેમનો અધિકાર છે, પરંતુ તેમણે છેતરપિંડી અને ષડયંત્ર કરનારાઓને સખત ચેતવણી આપી હતી. જો કોઈ યુવક કોઇ માધ્યમથી, સોશિયલ મીડિયા કે ડિજિટલ પ્લેટફોર્મ થકી દીકરીઓને ટાર્ગેટ કરે અથવા ગુજરાતની દીકરીઓને ફસાવવા માટે નામ છુપાવે તો તેને નહીં છોડાય.

સંઘવીએ ડ્રગ્સના દૂષણને રાજ્યમાંથી જડમૂળથી ઉખાડી ફેંકવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન નહીં, પણ લડત છે અને આ લડત આરપારની લડાઈ છે. નાના-નાના ડ્રગ્સ-પેડલરો પર હલ્લાબોલ કરવામાં આવશે. નવા વર્ષથી એની શરૂઆત કરવામાં આવશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની કામગીરીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, એક એવા વિચારશીલ મુખ્ય પ્રધાન અને ટીમ લીડર મળ્યા છે, જે નાની ભૂલ થાય તો મુખ્ય પ્રધાન તરીકે નહીં, પણ ટીમ લીડર તરીકે માર્ગદર્શન આપે છે. મુખ્ય પ્રધાનના માર્ગદર્શનથી તેમની જવાબદારીનું સ્વરૂપ બદલાયું છે, અને હવે તેઓ પીડિતોને ન્યાય મળે એ માટે ડબલ મહેનત અને વિઝન સાથે કામ કરવા માગે છે.



