ગુજરાતના ₹ 2,050 કરોડના સૌથી મોટા સાયબર ફ્રોડમાં EDની એન્ટ્રી: મોટા ખુલાસાની શક્યતા | મુંબઈ સમાચાર
સુરત

ગુજરાતના ₹ 2,050 કરોડના સૌથી મોટા સાયબર ફ્રોડમાં EDની એન્ટ્રી: મોટા ખુલાસાની શક્યતા

રેકેટમાં ઉપયોગમાં લેવામાં આવેલા 164 એકાઉન્ટ્સની તપાસ શરૂ

સુરતઃ રાજ્યના સૌથી મોટા 2050 કરોડના સાયબર ફ્રોડ અને ફોરેક્સ ટ્રેડિંગના આંતરરાષ્ટ્રીય રેકેટમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ઝંપલાવ્યું હતું. ઈડીએ આ મામલે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. ઈડી દ્વારા આ રેકેટમાં ઉપયોગમાં લેવામાં આવેલા 164 એકાઉન્ટ્સની તપાસ શરૂ કરવામાં આવી હતી. હવાલાના પૈસાનો કઈ રીતે ઉપયોગ થતો હતો તેની તપાસ ઈડીની પ્રાથમિકતા છે. પોલીસે અત્યાર સુધીમાં એકત્ર કરેલા તમામ પુરાવા, ડોક્યુમેન્ટ્સ ઈડીને સોંપ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી.

ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગનું રેકેટ ચલાવે

આ રેકેટનું આંતરરાષ્ટ્રીય કનેકશન સામે આવ્યું હતું. આરોપીઓ અલગ-અલગ બેંકોમાં કરંટ એકાઉન્ટ ખોલીને ક્રિપ્ટોકરન્સી અને સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન કરતા હતા. આ કૌભાંડનો પર્દાફાશ સૌપ્રથમ સુરતની ઉધના પોલીસે સાયબર ફ્રોડની ફરિયાદ દાખલ કરીને કર્યો હતો. સાયબર ફ્રોડની તપાસ દરમિયાન જ પોલીસને જાણવા મળ્યું હતું કે એક આરોપી ગેરકાયદે ફોરેક્સ ટ્રેડિંગનું રેકેટ પણ ચલાવે છે. ઈડી હવે માત્ર સાયબર ફ્રોડ જ નહીં, પરંતુ ફોરેક્સ ટ્રેડિંગના કૌભાંડમાં પણ થયેલા મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: ભારતમાં સાયબર ફ્રોડનો કાળો કેર: ₹ 22,811 કરોડની ઠગાઈ, 19 લાખ કેસ

પોલીસે 164 ખાતા સીઝ કર્યા

આરોપીઓ અજાણ્યા લોકો પાસેથી બેંક ખાતાઓ મેળવતા હતા. દરેક ખાતા માટે તેઓ એક લાખથી સાત લાખ સુધીનું કમિશન આપતા હતા, જે ખાતાની ટ્રાન્ઝેક્શન મર્યાદા પર આધારિત હતું. આ મેળવેલા બેંક ખાતાઓનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય ઠગબાજો દ્વારા સાયબર ક્રાઈમમાંથી મળેલા ભંડોળને ટ્રાન્સફર કરવા માટે થતો હતો. ઉધના પોલીસે આવા 164 બેંક ખાતાઓ સીઝ કર્યા હતા. ઈડીએ તપાસ હાથ ધરતાં આગામી દિવસોમાં અનેક ઘટસ્ફોટ થઈ શકે છે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button