ગુજરાતના ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયું, સુરતની કીમ નદીમાં પૂર

સુરત : ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના પગલે દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ છે. જયારે ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની આવક થઈ છે. જેના કારણે ડેમના 9 દરવાજા ખોલીને તાપી નદીમાં પણી છોડવામાં આવ્યું છે. હાલ ઉકાઈ ડેમમાં 1,25,658 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાં પાણીની સપાટી 334.76 ફૂટ પહોંચી છે જે ભયજનક સપાટીની નજીક છે. આ સ્થિતિને જોતા સુરક્ષાના ભાગરૂપે પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે અને નીચાણવાળા વિસ્તારો અને તાપી નદીના કિનારે રહેતા લોકોને સલામત સ્થળે જવા માટે સૂચના આપવામાં આવી છે.
તાપી નદીમાં 1.63 લાખ ક્યુસેક પાણી છોડાયું
ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં 1.63 લાખ ક્યુસેક પાણી છોડાયું છે અને વિયરકમ કોઝવેની જળસપાટીમાં સતત વધારો થયો છે. તેમજ વિયરકમ કોઝવેની સપાટી 9.63 મીટરે પહોંચી છે. કોઝવેની ભયનજક સપાટી 6 મીટર પર પહોંચી છે.

સુરતની કીમ નદીમાં પૂર
જયારે બીજી તરફ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં કીમ નદીમાં પુર આવ્યું છે. જેના લીધે નદી પરનો હાઇબેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. તેમજ મોટા બોરસાર ગામનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. જેના લીધે લોકોને નદી કિનારાના વિસ્તારમાં ન જવા એલર્ટ આપવામાં આવ્યું છે.
સુરત શહેર અને સુરત ગ્રામ્યમાં વરસાદ
આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે વહેલી સવારથી સુરત શહેર અને સુરત ગ્રામ્યમાં વરસાદ વરસી રહ્યો છે. સુરતમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા સ્થાનિકોના જનજીવન પર તેની અસર જોવા મળી છે. જયારે મોરા ભાગળ ચાર રસ્તા પર પાણી ભરાયા છે જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે.
આ પણ વાંચો….પંજાબમાં 1988 પછીનું સૌથી ભયાનક પૂર, ચોતરફા વિનાશના દ્રશ્યો સર્જાયા