સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટની આગ કાબૂમાં, 12 કરોડના નુકસાનનો અંદાજ…

સુરત: સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઈલ માર્કેટમાં બુધવારે સવારે લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી લાગતાં વેપારીઓમાં દોડધામ મચી હતી. ટેક્સટાઈલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ સાતમા માળ સુધી ફેલાઈ હતી. એેના કારણે ફાયરબ્રિગેડ કોલ જાહેર કર્યો હતો.
બુધવારે 11 વાગ્યાના અરસામાં આગ પર કાબૂ મેળવી કૂલિંગની કામગીરી ચાલી રહી હતી ત્યારે જ બે દુકાનમાં ફરી આગ ચાલુ થતાં ફાયરે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ત્યાર પછી સાંજના 6 વાગ્યા સુધી 7માં માળે આગની જ્વાળાઓ દેખાતી હતી. આ દરમિયાન છઠ્ઠા માળે આગ ભભૂકી હતી. અંતે સાંજે 6 વાગ્યે આગ કાબૂમાં લઈ લેવામાં આવી હતી.
બિલ્ડિંગમાં વેપારીઓની અંદાજે 400 જેટલી દુકાનો
રાજ ટેક્સટાઈલ માર્કેટની એ, બી અને સી બિલ્ડિંગમાં વેપારીઓની અંદાજે 400 જેટલી દુકાનો છે. બી બિલ્ડિંગમાં આગને લઈ દુકાનોમાં ભારે નુકસાન થયું છે. આ સાથે જ માર્કેટની સ્ટ્રક્ચર સ્ટેબિલિટીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ત્યારે હવે ફાયર વિભાગ દ્વારા આખીને આખી રાજ ટેકસટાઇલ માર્કેટ અમર્યાદિત સમય માટે બંધ રાખી દેવાનો આદેશ કરી દીધો છે. તમામ વિભાગોના એનઓસી લીધા બાદ માર્કેટને શરૂ કરવા દેવામાં આવશે.
12 કરોડના નુકસાનનો અંદાજ
આગને કાબૂમાં લેવાની કામગીરી દરમિયાન ત્રણે ફાયર જવાનને ગુંગળામણ અને બે ફાયર જવાન દાઝી ગયા છે. પાંચેય જવાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જ્યારે એક માર્શલ પણ ઈજાગ્રસ્ત થયા છે. આગમાં વેપારીઓના લાખો રૂપિયાના માલનું નુકસાન થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે નુકસાનીનો ચોક્કસ આંક તો આગ પર સંપૂર્ણ કાબૂ મેળવાયા બાદ જ સામે આવી શકશે. પ્રાથમિક અંદાજ 10થી 12 કરોડનો લગાવવામાં આવ્યો છે.



