ગુજરાત ચૂંટણીમાં 10 ટકા ઈડબલ્યુએસની માગ સાથે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા મેદાને

સુરત: ભાજપ નેતા વરુણ પટેલે આપેલા નિવેદન બાદ હવે સુરતના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા પણ મેદાને ઉતર્યા છે. અનામત આંદોલનનો ચહેરો રહેલા અલ્પેશ કથીરિયાએ ચૂંટણીમાં 10 ટકા ઈડબલ્યુએસની માંગણી કરી હતી. તેમજ ચૂંટણીમાં ઈડબલ્યુએસથી દરેક વર્ગને પ્રતિનિધિત્વ મળી રહેશે એવો સૂર પણ આલાપ્યો હતો.
અલ્પેશ કથીરિયાએ સમર્થન આપતા રાજ્યનું રાજકારણ ગરમાયું
ભાજપના અગ્રણી પાટીદાર નેતા અને પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા વરુણ પટેલે હાલમાં જ સોશિયલ મિડીયામાં કરેલી પોસ્ટથી ઉહાપોહ મચ્યો હતો. તેમણે પાટીદારોને આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવા મુદ્દે આકરું નિવેદન આપ્યું હતું. વરૂણ પટેલના આ નિવેદનને હવે પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ સમર્થન આપતા રાજ્યનું રાજકારણ ગરમાયું છે.
અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, હાલમાં વરુણભાઇએ દૂધસાગર ડેરીમાં 21 ટકાથી પણ વધુ મતદારો હોવા છતાં માત્ર બે ડિરેક્ટરનો સમાવેશ અને ભવિષ્યમાં 10 ટકા ઈડબલ્યુએસ લાગું નહીં થાય તો સમાજને નુકશાન થશે એ બે બાબત મૂકી છે.
અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે
આ નિવેદનને સંપૂર્ણ સમર્થન છે. સ્વાભાવિક રીતે 10 ટકા ઈડબલ્યુએસ હાલમાં શિક્ષણ અને રોજગારીમાં મળી રહ્યું છે ત્યારે ચૂંટણી પંચે ઈડબલ્યુએસ લાગુ એટલા માટે પાડવું જોઈએ કે જેનાથી 68 થી પણ વધુ જ્ઞાતિનો એક ઈડબલ્યુએસનો વર્ગ છે, એને પોતાના અધિકારો પ્રાપ્ત થાય, લોકશાહીમાં સત્તાકીય ભાગીદારી નિભાવી શકે અને આ પર્વને રંગેચંગે ઉજવી શકે. વર્તમાનમાં જ્યારે સંપૂર્ણ જે અનામતની વ્યવસ્થા છે એ પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લાગુ પડે છે ત્યારે સાથો સાથ 10 ટકા ઈડબલ્યુએસનો સમાવેશ થઇ જાય તો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારના ટેકનિકલી પ્રશ્ન ન સર્જાય અને દરેક વર્ગને પોતાનું પ્રતિનિધિત્વ મળી શકે.
હાઇકોર્ટમાં પિટિશન દાખલ
ઈડબલ્યુએસ લાગુ કરવા ચૂંટણી પંચને પણ રજૂઆત કરી છે. હાઇકોર્ટમાં પિટિશન થઈ છે અને ભવિષ્યમાં આ બાબત સુખદ નિર્ણયની આશા રાખીએ છીએ. આ મુદ્દે કોઈ વ્યક્તિ, સમૂહ કે એક જ્ઞાતિ પૂરતો નથી. આખા ઇડબલ્યુએસ વર્ગને અસર કરતો મુદ્દો છે. દરેક વ્યક્તિ, દરેક સમાજને પોતાનો હક પ્રાપ્ત થાય તે માટે પ્રયાસ કરતા રહીશું.



