સાયણ સુગર ફેક્ટરીને ઇન્કમ ટેક્સની નોટિસ: રાજકારણમાં ગરમાવો, જાણો શું છે મામલો?

સુરતઃ ઓલપાડ તાલુકાની કાર્યરત ઘી સાયણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. ને હાલમાં નાણાકીય વર્ષ 2023-24 માટે ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી એસેસમેન્ટ કરવા અંગેની નોટિસ મળી હતી.
જેને લઈ સહકારી ક્ષેત્રનું રાજકારણ પણ ગરમાયું હતું. કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી દર્શન નાયકે સહકારી ક્ષેત્રને ઉશ્કેરનારા સત્તાધીશો 11 વર્ષે પણ આ મુદ્દે રાજકારણ રમી રહ્યાં હોવાનો આક્ષેપ કર્યો હતો.
તેમણે સરકારના વલણ ઉપર સવાલો ઉઠાવતા જણાવ્યું કે, વર્ષ 2014માં ગુજરાતના મુખ્ય પ્રધાન અને હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર સભામાં દક્ષિણ ગુજરાતની 19 સુગર મિલો પર રૂપિયા 5000 કરોડના ઇન્કમ ટેક્સના આરોપ અંગે યુપીએ સરકાર ઉપર આક્ષેપ કરાયો હતો.
તે સમયે ખેડૂતોના હિત માટે લડવાનું વચન આપનાર ભારતીય જનતા પાર્ટી 11 વર્ષથી સત્તામાં હોવા છતાં પણ આ પ્રશ્નો હલ હજુ સુધી આવ્યો નથી.
દરમિયાન, વર્ષ 2016-17માં જે નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ છેલ્લા 6-7 વર્ષ દરમિયાન ઇન્કમ ટેક્સ વિભાગે કોઈ કાર્યવાહી કરી ન હતી. જોકે હવે ફરીથી સાત વર્ષ પછી એનાલિસિસ માટે નવી નોટિસ અપાતા પ્રશ્નો ઉભા થયા હતા તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા બે મોઢાની નીતિ અપનવામાં આવી રહી છે.
ચૂંટણી સમયે ખેડૂતો માટે કરવામાં આવેલા વાયદા માત્ર મત મેળવવાના હથિયાર પૂરતાં જ રહી ગયા છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે ખેડૂતોની સંસ્થાઓને આકરી નોટિસો અપાઈ રહી છે, ત્યારે એ સ્પષ્ટ થાય છે કે સરકાર ખેડૂતોના હિતમાં ખરેખર ગંભીર નથી.