સુરતમાં જર્મન શેફર્ડે 7 વર્ષના બાળક પર કર્યો હુમલો, માંડ માંડ બચ્યો બાળકનો જીવ

સુરતઃ શહેરમાં શ્વાન કરડવાનો વધુ એક બનાવ સામે આવ્યો હતો. પર્વત પાટીયા વિસ્તારમાં જર્મન શેફર્ડ જાતિના પાલતુ શ્વાને 7 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. જેમાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગેના સીસીટીવી પણ સામે આવ્યા હતા.
બાળકની માતાએ ફરિયાદમાં જણાવ્યું કે, 19 સપ્ટેમ્બરના રોજ સાંજે તેમનો પુત્ર સોસાયટીમાં રમતો હતો તે સમયે અરવિંદ ગોસ્વામીની પત્ની તેના પાલતુ શ્વાન (જર્મન શેફર્ડ)ને લઈને આવી હતી. તેણે શ્વાનને મારા પુત્ર પર હુમલો કરવા ઉશ્કેર્યો હતો. શ્વાનના હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. બનાવના પગલે સમગ્ર સોસાયટી એકત્ર થઈ ગઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા મારા પુત્રને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો.
આ ઉપરાંત એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે શ્વાનના માલિકો તરફથી તેમને ધમકીઓ મળી છે કે કૂતરો આ જ રીતે ફરશે, તમે અમારું કંઈ નહીં ઉખેડી શકો. પ્રત્યક્ષદર્શીઓ મુજબ કૂતરો બાળક ઉપર ચઢી ગયો હતો અને બાળક રડી રહ્યું હતું. માંડ માંડ બાળકનો જીવ બચ્યો છે. જો આટલું મોટું બાળક બચી શક્યું ન હોત, તો અમારા જેવા નાના બાળકોને કરડ્યું હોત તો તેઓ તો મરી જ જાત.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વનરાજ માંજરિયાને થોડા સમય પહેલાં તેમના પાલતુ શ્વાનનો નખ વાગવાથી હડકવા થયો હતો, જે બાદ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ અચાનક નિધનથી તેમના પરિવાર અને સમગ્ર અમદાવાદ પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ હતી.
આપણ વાંચો: સુરતના વેપારીને ઓછી કિંમત જાહેર કરવી પડી ભારે, લાખોના હીરાનો 1000 વિમો પાક્યો