સુરતની જાણીતી ડાયમંડ કંપનીએ મજૂરી ઘટાડાતાં રત્ન કલાકારો હડતાળ પર ઉતર્યા ને પછી..

સુરતઃ શહેરની ઓળખસમાન હીરા ઉદ્યોગ હાલ મંદીના વમળમાંથી પસાર થઈ રહ્યો છે. ઇચ્છાપોર સ્થિત જાણીતી કંપનીમાં રત્ન કલાકારોની મજૂરીના પ્રતિ કેરેટ ભાવમાં ઘટાડો થતાં 100થી વધુ કારીગરોએ હડતાળ પર ઉતરીને કંપનીની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે, વિવાદ વધતા મેનેજરે તમામ રત્ન કલાકારોને ઓડિયો મેસેજ મોકલી કહ્યું કે, એ જ ભાવે પાછા આવી જાઓ, ત્યારબાદ રત્ન કલાકારો પાછા નોકરી પર પરત ફર્યા હતા.
રત્ન કલાકારોના જણાવ્યા અનુસાર, હીરા ઉદ્યોગમાં મંદીની અસર પહેલેથી જ જોવા મળી રહી છે અને દિવાળી પહેલાં પણ ભાવ તોડવામાં આવ્યો હતો, જેના કારણે કારીગરોની સ્થિતિ કફોડી બની હતી.
હવે જ્યારે ક્રિસમસના તહેવારને ધ્યાનમાં રાખીને ઉદ્યોગમાં થોડી તેજી આવવાની આશા જાગી હતી, તેવામાં પ્રતિ કેરેટ રૂ. 250નો મોટો ભાવ કપાત થતાં રત્ન કલાકારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. 100થી વધુ કારીગરો વહેલી સવારે કંપનીના ગેટ બહાર એકઠા ગયા હતા.
વિવાદ વધુ વણસે નહીં તે માટે કંપની મેનેજમેન્ટે તાત્કાલિક પગલું ભર્યું હતું. કંપનીના મેનેજર તરફથી તમામ હડતાળી રત્નકલાકારોને એક ઓડિયો મેસેજ મોકલવામાં આવ્યો હતો. આ ઓડિયો મેસેજમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે, જૂના ભાવે જ તમામ રત્નકલાકારો કંપનીમાં પરત આવી જાય. કંપની તરફથી જૂના ભાવે કામ પર પાછા ફરવાની ખાતરી મળતાં જ તમામ રત્નકલાકારો સંતુષ્ટ થયા હતા અને તાત્કાલિક કંપનીના ત્રીજા ગેટ મારફતે અંદર પ્રવેશ કરીને પોત-પોતાના કામકાજ પર લાગી ગયા હતા.



