સુરતમાં રત્ન કલાકારોએ રેલી કાઢી, જાણો શું છે માંગ

સુરતઃ ડાયમંડ નગરી તરીકે ઓળખાતા સુરતના હીરા ઉદ્યોગની માઠી બેઠી છે. હીરામાં ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે અનેક રત્ન કલાકારો બેકાર બન્યા છે અને ઘણાએ આર્થિક સંકડામણના કારણે જીવન ટૂંકાવ્યું છે. સુરત ડાયમંડ વર્કર એસોસિએશન દ્વારા છેલ્લા એક મહિનાથી રત્ન કલાકારોના પ્રશ્નોને લઇને જિલ્લા કલેકટરથી લઇને છેક મુખ્ય પ્રધાન સુધી રજુઆતો કરી હતી પરંતુ કોઈ નિરાકરણ ન આવતાં આજથી બે દિવસની હડતાલ પર ઉતર્યા છે. રત્ન કલાકારોએ આજે કતારગામથી કાપોદ્રા-હીરાબાદ સુધી રેલી કાઢી હતી. મોટી સંખ્યામાં આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેના કારણે રેલી જે રૂટ પરથી પસાર થવાની હતી તેની એક સાઈડનો રોડ બંધ કરવો પડ્યો હતો.
રેલીમાં જોડાયેલા રત્ન કલાકરોના કહેવા મુજબ, હાલ પગાર અડધા કરી દેવામાં આવ્યા છે. મંદીનો માહોલ હોવાનું કારણ આપવામાં આવે છે. કારખાનેદારોએ અત્યાર સુધીમાં મોટી કમાણી કરી લીધી છે પરંતુ અમારા ભાગે કશું જ આવ્યું નથી. ઘણા લોકો હીરા છોડીને બીજા ધંધામાં શિફ્ટ થઈ ગયા છે.
વિદેશથી આવેલા અને હીરાના કારોબાર સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જણાવ્યું, અહીં કારીગરોનું શોષણ થઈ રહ્યું છે. અમને ઊંચા ભાવે માલ મોકલવામાં આવે છે પરંતુ અહીંયા કારીગરોને નજીવી મજૂરી આપવામાં આવે છે. રત્ન કલાકારોએ કહ્યું કે, હીરા ઉદ્યોગની બે મોટી સંસ્થા દ્વારા રત્ન કલાકારો માટે કોઈ ચોક્કસ રણનીતિ કે સરકાર સમક્ષ તેમની સમસ્યાઓને યોગ્ય સ્તરે ઉકેલ આવે તેવી રજૂઆત કરવામાં આવી નથી. છેલ્લા અઢી વર્ષમાં ઘણા રત્ન કલાકારોએ આર્થિક કફોડી સ્થિતિના કારણે જીવ ગુમાવ્યા છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી.
રત્ન કલાકારાએ આર્થિક પેકેજ, રત્ન દીપ યોજના, મોંઘવારીને ધ્યાનમાં રાખીને પગાર વધારો, મજૂર કાયદાનું પાલન, આપઘાત કરતાં રત્ન કલાકારોના પરિવારજનોને મદદ, રત્ન કલાકારો પાસેથી લેવામાં આવતો વ્યવસાય વેરો નાબૂદ કરવા જેવી માંગો સાથે આ રેલી યોજી હતી.
આ પણ વાંચો: બે લાખ ફોટોગ્રાફ્સમાં કચ્છના આ યુવકની તસવીરે મેળવ્યું બીજું સ્થાન