સુરતમાં ગરબા આયોજકો માટે આટલા નિયમોનું પાલન કરવું પડશે, નવરાત્રી પહેલા તંત્રની કડક કાર્યવાહી | મુંબઈ સમાચાર
સુરત

સુરતમાં ગરબા આયોજકો માટે આટલા નિયમોનું પાલન કરવું પડશે, નવરાત્રી પહેલા તંત્રની કડક કાર્યવાહી

સુરતઃ નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ તો ચોમાસામાં પણ ઝૂમીને રમશે, પરંતુ તંત્રએ આયોજકોને છેલ્લી ઘડીએ દોડતા કરી દીધા છે. સુરત પાલિકાના ફાયર વિભાગે ગરબા આયોજકોને 30 એડવાઇઝરી સાથે નોટિસ આપી છે. જેમાં એનઓસી લેવાનું ફરજિયાત જણાવાયું છે. ગરબાના મંડપો અને સ્ટ્રક્ચર્સ માટે સુરત પાલિકાના ફાયર વિભાગે આગ-અકસ્માતની ઘટના નિવારવા માટે આ એડવાઇઝરી સાથે નોટિસ આપી છે. એડવાઇઝરી મુજબ વાયરિંગ પ્રમાણિત એન્જિનિયર પાસે ચેક કરાવવું પડશે.

ઈલેક્ટ્રિક વાયરિંગ એન્જિનિયર પાસે તપાસવું પડશે

દરેક 100 ચોરસ મીટરના અંતરે ABC અને CO2 ફાયર એક્સ્ટિંગ્યુશર (અગ્નિશામક યંત્રો) રાખવાનું જરૂરી છે. આ ઉપરાંત, દરેક 200 મીટરના અંતરે 200 લિટર પાણી ભરેલું ડ્રમ રાખવું પડશે. મંડપનું ઇલેક્ટ્રિક વાયરિંગ કોઈ પ્રમાણિત એન્જિનિયર પાસે તપાસ કરાવીને જ કરાવવું પડશે. LPG સિલિન્ડર, ફટાકડા, રસોઈના સાધનો, કે ખુલ્લી જ્યોતનો ઉપયોગ નહીં કરી શકાય. આયોજન સ્થળે 24 કલાક માટે સ્વયંસેવકો હાજર રાખવા. આ સ્વયંસેવકો અને બાઉન્સરોને ફાયર સેફ્ટીના સાધનોની જાણકારી હોવી જોઈએ.

નિયમોનું પાલન કરતું એફિડેવિટ નોટરી કરાવવું પડશે

નિયમોનું પાલન કરવાની ખાતરી આપતું એફિડેવિટ રૂ. 300ના સ્ટેમ્પ પેપર પર લખીને નોટરી કરાવવું પડશે. આ એફિડેવિટ સાથે ફાયર વિભાગ પાસેથી નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવું પડશે. જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે અને કોઈ આગનો અકસ્માત થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી મંડપના સંચાલકો અને આયોજકોની રહેશે, તેમ ફાયર વિભાગે સ્પષ્ટ જણાવ્યું હતું.

આટલી બાબતોનું ધ્યાન રાખવું પડશે

  • મંડપ, તંબુ કે અન્ય અસ્થાયી માળખાને શાળા, હોસ્પિટલ, અથવા જ્યાં સરળતાથી આગ પકડી શકે તેવી વસ્તુઓનો સંગ્રહ થતો હોય તેવા ગોદામથી દૂર રાખવા.
  • આયોજનના સ્થળ મુખ્ય રસ્તાથી 45 મીટરથી વધુ દૂર ન હોવું જોઈએ.
  • ઇલેક્ટ્રિક સબ-સ્ટેશન, ભઠ્ઠી, ટ્રાન્સફોર્મર, હાઈટેન્શન લાઈન કે રેલવે લાઈનથી ઓછામાં ઓછું 15 મીટરનું અંતર રાખવું.
  • મંડપની અંદર સ્ટોલ કે સ્ટેજ નીચે જ્વલનશીલ (આગ પકડી શકે તેવી) વસ્તુઓ રાખવી નહીં.
  • મંડપની અંદર સ્ટોલ કે સ્ટેજ નીચે જ્વલનશીલ (આગ પકડી શકે તેવી) વસ્તુઓ રાખવી નહીં.
  • પ્રવેશદ્વારની ઊંચાઈ અને પહોળાઈ ઓછામાં ઓછી 5 મીટર હોવી જોઈએ.
  • આયોજનના સ્થળે ઓછામાં ઓછા બે “ઇમરજન્સી એક્ઝિટ” (આકસ્મિક બહાર નીકળવાના રસ્તા) અને ઇમરજન્સી લાઇટિંગની વ્યવસ્થા કરવી ફરજિયાત છે.
  • કાર્યક્રમના સ્થળે ફટાકડાનો ઉપયોગ કે સંગ્રહ નહીં કરવો.

    આ પણ વાંચો…ગરબા આયોજકોને બંજરંગ દળે આપી આવી ચેતવણી! આ નિયયોનું પાલન કરવું પડશે…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button