સુરતમાં મધરાતે બદમાશોએ પોલીસની ઓળખ આપી દરવાજો ખોલાવ્યો ને પછી કર્યું આવું કૃત્ય

Surat Crime News: સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે ચઢી રહ્યો છે. શહેરના પુણા વિસ્તારમાં બદમાશોએ મધરાતે પોલીસની ઓળખ આપી મકાનનો દરવાજો ખોલાવ્યો હતો. જે બાદ ઘરમાં ઘૂસીને પતિને ચપ્પુની અણીએ બંધક બનાવ્યો હતો અને મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
શું છે મામલો
સુરતના પુણા વિસ્તારમાં ગીતાનગર સોસાયટીમાં મોડી રાતે દંપતિના ઘરમાં ઘૂસી ચપ્પુ બતાવી પતિને બાંધી દીધા બાદ પત્નીને ઢસડીને ધાબા પર લઈ જઈ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત જતી વખતે 30 હજારની મત્તા પણ લૂંટતા ગયા હતા. મૂળ ભાવનગરનું વતની દંપતિ ગીતાનગરમાં રહે છે. પતિ લેસ પટ્ટીના કારખાનામાં કામ કરે છે. રાત્રે દંપતિને જમીને ઊંઘી ગયું હતું. મધરાતે બે શખ્સોએ તેમના મકાનનો દરવાજો ખખડાવ્યો હતો. જેથી તેમણે કોણ છે પૂછતાં પોલીસ હોવાનું જણાવ્યું હતું. પતિએ દરવાજો ખોલતાં મોઢા પર બુકાની બાંધેલા બે શખ્સો ચપ્પુ લઈને ઘરમાં ઘૂસી ગયા હતા.
Also read: સુરતમાં રેસ્ટોરન્ટના માલિકને હનીટ્રેપ-આત્મહત્યા કેસમાં પોલીસે ચારને ઝડપ્યા…
આ શખ્સોએ મહિલાના પતિને ચપ્પુ બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપીને દુપટ્ટાથી બાંધી દીધો હતો. જે બાદ તેની પત્નીને ઢસડીને ધાબા પર લઈ ગયા હતા. જ્યાં વારફરતી નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. ઘટના અંગે પોલીસને જાણ કરતાં દોડી આવી હતી અને સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી હતી.
વાસનાના ભૂખ્યા વરુઓ જ્યારે પરિણીતાને ખેંચીને ધાબા પર લઈ જતા હતા ત્યારે તેણે બૂમો પણ પાડી હતી. પરંતુ આ વિસ્તારમાં માત્ર 30 ટકા જ રહેણાંક વિસ્તાર અને કારખાના હોવાથી તેનો અવાજ કોઈએ સાંભળ્યો નહોતો.